[પાછળ]

અમારે તો જ્યાં નાવ ડૂબી, કિનારો!

પુરુષાર્થ ઝખમી, જવાનીય ઝખમી, અભિલાષા જૌહર કરીને બળી ગઈ; હવે માત્ર કેસરિયાં જ બાકી છે, જીવન! નથી એ વિના ક્યાંય બચવાનો આરો! નથી જોઈતું અમને સાગરનું વર્ણન, નથી જોઈતો અમને મોજાંનો ધારો; અમારે તો જ્યાં નાવ અટકી, ભંવર છે, અમારે તો જ્યાં નાવ ડૂબી, કિનારો! હશે જ્યાં લગી રક્તનું છેલ્લું ટીપું, લડત આપશું કાળ! નક્કી સમજજે; જો માથું જશે તો લડી લેશું ધડથી, પડ્યો છે મરણિયાથી તારે પનારો! દુઆ કાજ પણ હાથ ઊઠતા નથી કાં, એ સમજાવવું કેમ દુનિયાને મારે? સ્વમાનીનું સચવાય જેનાથી ગૌરવ, પ્રભુ પાસ પણ ક્યાં છે એવો સહારો? ગણ્યાં જેને મારા જગતમાં, ઓ ઈશ્વર! એ મારા જ મારા બનીને ફરે છે, જમાનાની એવી હવા છે કે આજે કહેતાં ડરું છું તને પણ હું મારો. અમારી જીવન-ઊર્મિઓ ખાસ ત્યારે લઈ તાલ પાયલનો અંગડાઈ લે છે; જમાવે છે જ્યારે હવા પૂરેપૂરી કઝાની મૃદંગો, ફનાની સિતારો. નિમંત્રણ સ્વીકારી લે મઝધાર કેરું, તકાદો છે એ ‘શૂન્ય’ આજે સમયનો ગહનતાઓનો તાગ લેવો છે તારે તો પકડી બેઠો છે શાનો કિનારો?
-‘શૂન્ય’ પાલનપુરી
[પાછળ]     [ટોચ]