પુત્રને આશીર્વાદ
પર્વત તને મળે કે રણ તને મળે
ન ડગે સફરમાં જે તે ચરણ તને મળે
પાનખરમાં પણ ખિલે જીવન-સુમન
ને પલળે વસંતમાં તે મન તને મળે
કાબુમાં હો બધું એમાંય ક્યાં મજા
ઊર્મિના અવનવા પવન તને મળે
પથમાં ચડાવ છે ને ઉતાર છે ઘણા
સ્થિતપ્રજ્ઞ તું રહે કે ચિંતન તને મળે
બીજાની કેડી પર તું દોડતો નહિ
તારા સ્વરૂપની સમજણ તને મળે
તારામાં તત્વ છે તું એકલો નથી
મળવાને કૃષ્ણને કારણ તને મળે
લાચાર હો જો મિત્ર તેને તું ના ત્યજે
સાચા એ એક-બે અનુબંધ તને મળે
તારાથી મોટો તો તું થાય ના કદી
સાચી ઝલક ધરે તે દર્પણ તને મળે
સાચો પ્રેમ કોઈનો પામે તું જીવનમાં
જેમાં મળે મુક્તિ તે બંધન તને મળે
બુલંદ કોઈ તુંય ધ્યેય ગોતજે
જેથી ઘડે જીવન તર્પણ તને મળે
કરુણા હો, ગર્વ હો, તું જે કંઈ બને
સદા પ્રજળે અનંતમાં, તે જીવન તને મળે
હું જાઉં તે પછી તારા વિચારમાં
મારા વિચારની રજકણ તને મળે
(૨૦૦૩)
-હિમાંશુ ભટ્ટ |