[પાછળ]
પંચતત્વનો દેહ

પંચતત્ત્વનો  દેહ  ને  એનું એક  તત્વ છે  માટી…
દુંદાળા  તારી  મૂર્તિમાં  એ  જ  તત્વ કાં  બાકી?

થાય વિસર્જન જળમાં તારું ત્યાં પણ તું ક્યાં ડૂબે?
પ્લાસ્ટર ઑફ પેરિસ  ઓઢીને  તળાવ આખું રુએ,
જળચર  મરવાનાં  છે   કેમિકલને  ચાખી  ચાખી.
પંચતત્ત્વનો  દેહ  ને  એનું  એક  તત્વ છે માટી…

આતશબાજી,  ધૂળ,  ધુમાડા,  શ્વાસ  ગયો રૂંધાઈ,
ઢોલ,  નગારાં, ડી.જે.  ગર્જે  કાન  ગયા ગભરાઈ,
આંખ  હવાએ  ચોળી રાતી,  કાળી ખાંસી  ખાધી.
પંચતત્ત્વનો  દેહ  ને  એનું  એક  તત્વ છે માટી…

સરઘસ ટાણે  ટોળું  આવી  ક્યાંક  પલીતો  ચાંપે,
અગ્નિ  નામે  તત્વ    ભરાઈ  બેઠું   બોમ  ધડાકે,
આગ  હવે   જોવા  ટેવાયા,  આંખે  પાણી  રાખી.
પંચતત્ત્વનો  દેહ  ને  એનું  એક  તત્વ છે માટી…

મારા  મનનું  પંખી   માંગે  એક જ  ટુકડો આભ,
એય  પચાવી   બેઠા   તારી   મૂર્તિઓના   પ્હાડ,
આભ બની લાચાર  જુએ છે,  મોઢું સ્હેજ વકાસી.
પંચતત્ત્વનો  દેહ  ને  એનું  એક  તત્વ છે માટી…

બોલ શરમ રાખું  કે  માણસ-ધરમ  હવે નિભાવું?
બોલ ગજાનન  આ વર્ષે  પણ  તને  ફરી બોલાવું?
તું   સમજીને  ના  આવે   એવી  ઇચ્છા  મેં રાખી.
પંચતત્ત્વનો  દેહ  ને  એનું  એક  તત્વ છે માટી…

-મકરંદ મુસળે

[પાછળ]     [ટોચ]