દરિયાને પ્રશ્ન
રમેશ, સૌના ઘરમાં છે સૌ ભોળાભોળા
તેઓ હિંસ્ર પશુ તો ઘરની બ્હાર બને છે
*** *** ***
બોલ, હે દરિયા બોલ! તું હિન્દુ, મુસલમાન કે ખ્રિસ્તી?
અમે ભાગલા તારા અઢળક જળનાં કરવા બેઠા
માનવતાની ટોચ ઉપરથી ગબડ્યા કેવા હેઠા!
ઊભા તને અંગત પખાલમાં ભરવા સઘળા ભિસ્તી
બોલ, હે દરિયા બોલ! તું હિન્દુ, મુસલમાન કે ખ્રિસ્તી?
તારાં પેટાળો પર તાણ્યું કિયા ધરમનું ટીલું?
તું પકવે મોતીઓ તેનું કુળ ભગવું કે લીલું?
તારા આશિષ ફકત તારતાં કિયા વરણની કિસ્તી?
બોલ, હે દરિયા બોલ! તું હિન્દુ, મુસલમાન કે ખ્રિસ્તી?
(તા. ૧૪-૦૩-૨૦૦૦)
-રમેશ પારેખ |