એક મયખાનું ચાલે છે આલમ મહીં
એક મયખાનું ચાલે છે આલમ મહીં ચંદ્ર પણ જામ છે સૂર્ય પણ જામ છે
દૃષ્ટિવાળા ફકત પી શકે છે અહીં ખાસ મહેફિલ છે પણ દાવતે આમ છે
એક મયખાનું ચાલે છે આલમ મહીં
પાપ ને પુણ્ય જેવું કશુંય નથી માત્ર નીતિના મૂલ્યાંકનો છે જુદા
ખૂબ સમજી લે મન તારા કર્મો થકી તુંજ ખુદ સ્વર્ગ કે નર્કનું ધામ છે
એક મયખાનું ચાલે છે આલમ મહીં
જળની ધારા ગમે તેવા પાષણને એક ધારી પડે તોજ ભેદી શકે
ભાગ્ય પલટાય ના માત્ર ઈચ્છા વડે યત્ન કર ખંતથી એજ પયગામ છે
એક મયખાનું ચાલે છે આલમ મહીં
થઈ ગયા સાચ ને જૂઠના પારખા મિત્ર પડખે નથી શત્રુ સામે નથી
ઓ મુસીબત અમારી સલામો તને આજ તારા પ્રતાપે જ આરામ છે
એક મયખાનું ચાલે છે આલમ મહીં
'શૂન્ય' તો એક જોગી સમો જીવ છે એને લૌકિક પ્રલોભન તો ક્યાંથી નડે
પ્રેમ નિષ્પક્ષ છે રૂપ નિર્લેપ છે કર્મ નિસ્વાર્થ છે ભક્તિ નિષ્કામ છે
એક મયખાનું ચાલે છે આલમ મહીં
-‘શૂન્ય’ પાલનપુરી
ક્લીક કરો અને સાંભળોઃ
|