એક ચિંતા
"આવો દેહ અતીવ દુર્બલ સખે, શાનો તમારો દીસે?
ચિંતાભાર અસહ્ય શો શિર પરે આવો ઉપાડ્યો તમે?
આપત્તિ કંઈ અર્થની નવી નવી આવી સતાવી રહી?
કે શું પુત્રકલત્રમિત્રજનથી ધારી ન ઈચ્છા ફળી?
કે વિદ્યુત્ સરખી ક્ષણેક ચમકી તેજેભરી સુંદરી
હૈયે દાહ દઈ ગઈ અગમ કો અંધાર માંહે સરી?
આજે તાંડવ વ્યોમ-ભોમ-જલમાં જે કાલ ખેલી રહ્યો,
પાદઘાત સૂણી શું તે હૃદયનાં વાધી ગયા સ્પંદનો?"
* * * * *
"ચિંતા લેશ નથી મને જગતમાં લક્ષ્મી મળે વા નહિ,
વિષ્ણુપત્ની પરાઇ, તે પ્રતિ કદી દૃષ્ટિ ધરૂં પ્રેમની?
આપત્તિ નવ અર્થની કદી મને આવી સતાવી શકે,
હૈયું કાવ્યરસે રમે પછી મને શી અર્થબાધા નડે?
હૈયે દાહ દઈ ન કો વીજસમી વ્યોમે શમી સુંદરી,
મારી વિદ્યુત તો સખે, સદનમાં મેં ચાંપમાં છે પૂરી.
લીલા કાળ તણી નિહાળી હૃદયે ભીતિ ન લેશે ધરૂં
એ તો નિત્ય તણી ક્રિયા જગતની, એમાં નવું ના કશું;
આ કાલાંબુધિને જલે પળપળે ઊઠે, રમે ને શમે
કૈં કૈં માનવબુદ્બુદો ત્યમ હું યે ઊઠું-શમું એ વિષે.
ચિંતા એક જ કોરતી હૃદયને : હોઇશ હું ના તદા
મારા હિણું બિચારૂં આ જગતડું, તેનું સખે શું થશે?"
(જાન્યુઆરી ૧૯૪૩)
-જ્યોતીન્દ્ર હ. દવે |