[પાછળ]
નર્મદા નામધન્યા

(મંદાક્રાંતા-સૉનેટ)
આઘેનો એ ગિરિકુહરનો સાંભળું છું નિનાદ;
ઠેકા લેતી નીરખું છું તને કન્યકા વિંધ્યપાદ;
પાસેના સૌ તરુખડકને ક્હેતી  જાણે વિદાય
રેવા! તન્વી સ્મિતધવલ તું ઊતરી પ્હાડ જાય.

વ્હેતી પ્હોળે પટ કદીકદી ધોધધારે ધસે તું;
વાટે-ઘાટે રમી-ભમી વળાંગો રૂપાળાં રચે તું;
નીલાં વારિ સ્ફટિક ચળક્યાં તો કદી માટી-મેલાં
તોફાનોમાં ઊછળત ફીણે ઇન્દ્રચાપો મઢેલાં!

તીરે તારા અગણિત ઊભા મંદીરો-યાત્રીઓના
જાણે શ્રદ્ધા શિખર ધ્વજ! એકાન્તમાં રાત્રિઓના
ખૂલે તારા રૂપ : મકર-પીઠે અહો, દેવકન્યા!
વા કાંઠેના ગિરિજન સમી રૂપસી શ્યામ વન્યા!

સૌન્દર્યોની  અદ્ભુત  મહાવાહિની સુપ્રસન્ના
ઉત્પત્તિથી વિલય લગી તું નર્મદા નામધન્યા!
(૨૬-૭-૨૦૦૦)

-જયંત પાઠક
[પાછળ]     [ટોચ]