[પાછળ] 
મારે પાલવડે બંધાયો

મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો,
આખા રે મલકનો માણીગર મોહન
એક નાની શી ગાંઠે ગંઠાયો
જશોદાનો જાયો…
મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો.

એવો રે બાંધ્યો કે છૂટ્યો ના છૂટે
આંખ્યુંના આંસુ ભલે ખૂટ્યા ના ખૂટે
આજ ઠીક લાગ હાથ મારે આવ્યો જશોદાનો જાયો…
મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો.

મારે કાંકરીયા ને મટકી ફૂટે
મારગ આવી મારા મહીડા નીત લૂંટે
મુને લૂંટતા એ પોતે લૂંટાયો જશોદાનો જાયો…
મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો.

સ્થંભ વિના આખું આકાશ લટકાવ્યું
 મહીં ચંદ્ર-સૂરજ-તારાનું તોરણ ટીંગાવ્યું,
સહુને ટીંગાવનાર, લટકંતો લાલ,
મારા પાલવની કોરે ટીંગાયો જશોદાનો જાયો…
મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો.

-અવિનાશ વ્યાસ

ક્લીક કરો અને સાંભળો આશા ભોસલેના મધુર કંઠે રેકોર્ડ થયેલું આ કાવ્યઃ ઓરિજિનલ રેકોર્ડિંગનું સૌજન્યઃ પ્રા. ડૉ. દિલીપ ભટ્ટ, સાવરકુંડલા

નોંધઃ અવિનાશ વ્યાસના ગીત-સંગીત ધરાવતી "આશા ભોસલે-ગુજરાતી ગીતો" નામની એક રેકોર્ડ (SEDE 3323) ધ ગ્રામોફોન કંપની લિ.એ ૧૯૬૮માં કોલંબિયાના લેબલ હેઠળ બહાર પાડી હતી જેમાં આશા ભોસલેના ગાયેલા નીચે પ્રમાણેના ચાર ગીત હતાઃ
    A1    છેલાજી રે મારે હાટું પાટણથી પટોળા લાવજો
    A2    ઊંચી તલાવડીની કોર પાણી ગ્યાતાં પાણી
    B1    તારા ફળિયામાં પગ નહિ મૂકું
    B2    મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો

 [પાછળ]     [ટોચ]