[પાછળ]
નાનકડી ઓ દીવી!

નાનકડી ઓ દીવી                                 
અંધકારના  અંગ  ઉપર   દે   તેજ-થીગડું   સીવી
                                 નાનકડી ઓ દીવી

ના  માગું  કે  રાત  મહીંથી  પળમાં કરી  દે  દિન
કે  રેલાવી દે  શીતળ ચાંદની  રાત બનાવ  રંગીન
હું તો એટલું જ કહું છું બાપુ સવાર સુધી જા જીવી
                                 નાનકડી ઓ દીવી

છો ને ઊછળે વિશ્વ આવરી  તિમિર તણા આ લોઢ
તારી તેજ આંગળીએ વળગી  દેખીશ જરૂર પરોઢ
શ્રદ્ધાની  અંજલિએ  મારે  વસમી વેદનાઓ  પીવી
                                 નાનકડી ઓ દીવી
(તા. ૧૦-૦૬-૧૯૫૪)                             
જયંત પલાણ
એક દીવો છડેચોક ઝળહળે! એક દીવો છાતી કાઢીને છડેચોક ઝળહળે એ તો અંધારાના સઘળા અહંકારને દળે. હરેક ચીજને એ આપે સૌ સૌનું મૂળ સ્વરૂપ આવું મોટું દાન કરે તો પણ એ રહેતો ચૂપ. પોતાને ના કૈં જ અપેક્ષા અન્ય કાજ બસ બળે એક દીવો છાતી કાઢીને છડેચોક ઝળહળે અંધકારમાં સામે લડવાની વિદ્યા ક્યાંથી મળી? કિયા ગુરુની કૃપા થકી આ રીત તપસ્યા ફળી? હે દીવા, એ શાશ્વત પળ તું પ્રકટે છે જે પળે એક દીવો છાતી કાઢીને છડેચોક ઝળહળે -રમેશ પારેખ
હે દીવા! તને પ્રણામ... હે દીવા! તને પ્રણામ... અંધારામાં કરતો તું તો સૂર્ય-ચંન્દ્રનું કામ હે દીવા! તને પ્રણામ... તારાં મૂઠીક કિરણોનું કેવું અલગારી તપ! પથભૂલ્યાને પ્રાણ પાઈને કહેતાં - આગળ ધપ, ગતિ હશે પગમાં તો મળશે કદીક ધાર્યું ધામ. હે દીવા! તને પ્રણામ... જાત પ્રજાળીને ઝૂઝવાનું તેં રાખ્યું છે વ્રત, હે દીવા! તું ટકે ત્યાં સુધી ટકે દૃષ્ટિનું સત! તું બુઝાય તે સાથ બુઝાઈ જાતી ચીજ તમામ હે દીવા! તને પ્રણામ... -રમેશ પારેખ
[પાછળ]     [ટોચ]