[પાછળ]
પરથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી

તિલક   કરતાં   ત્રેપન   ગયાં,   જપમાળાના   નાકાં   ગયાં
તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તો ય ન પહોચ્યોં હરિને શરણ
કથા સુણી સુણી ફૂટ્યાં કાન, તો ય અખા  ના આવ્યું બ્રહ્મજ્ઞાન
                                                         -અખો

કે એક  દિન એવો આવશે  કે  સબળ મારાં  રુદિયામાં સાલે જી
સગાં   ને    મિત્રને    કારણે   કોઈનું    જોર   નવ  ચાલે  જી

કાઢો  કાઢો  એને   સૌ   કરે   જાણે   જન્મ્યો    નહોતો   જીવ
પરથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી ને એને મુવા ટાણે સંત બનાવો

તુલસી મંગાવો અને  તિલક કઢાવો,  મુખે  રામનામ  લેવરાવો રે
પરથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી ને એને મુવા ટાણે સંત બનાવો

દવ  લાગ્યા રે  પછી  કુવો ખોદાવો,  ઈ કઈ પેર અગ્નિ હોલાશે
ધન  હતું  એ  ચોર જ  લઈ  ગયા,  પછી દીવો  કરે શું થાશે રે
પરથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી ને એને મુવા ટાણે સંત બનાવો

હે માત પિતા સુત, ભાઈ ને ભગિની,  ઈ સબ ઠગન કી  ટોળી રે
પ્રીત લગાડી  તારું સર્વ  લૂંટી લેશે,  પછી રહેશે  આંખો ચોળી રે
પરથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી ને એને મુવા ટાણે સંત બનાવો

તળાવ  ફાટ્યા  પછી  પાળ બંધાવો,  ઈ કઈ પેરે  નીર  ઠેરાશે રે
કહે  પ્રીતમ  પ્રીતે  હરિ ભજન  વિના,  અવસર  એળે  જાશે  રે
પરથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી ને એને મુવા ટાણે સંત બનાવો
-પ્રીતમદાસ
ક્લીક કરો અને સાંભળો
રાસબિહારી દેસાઈએ જાતે સ્વરબદ્ધ કરેલું
અને ગાયેલું આ સુંદર ભજનઃ

[પાછળ]     [ટોચ]