[પાછળ]
હીરોગીરીથી પસ્તીગીરી

સમાચારો મલકના ખાય છાપું, પછીથી આફરે અકળાય છાપું.
છબી છાપે છે ગાંધીની મથાળે, ને ગધનું, ક્યાંય ના અચકાય છાપું!

ગયું છે એમ લક્ષ્મીજીને ખોળે,  હવે વાગ્‍દેવીથી સંતાય છાપું.
ન તો સંત્રી, નથી પ્રહરી રહ્યું એ, રતન સરખું હતું, રોળાય છાપું.

કરીને માંહ્યલો પીળો-કધોણો,  હવે વરણાગિયું બહુ થાય છાપું.
રહ્યું મોહતાજ ના જાગ્રત પ્રજાનું, કુપન ખાતર બકરીઓ ખાય છાપું.

હંમેશાં ઓટલા-પરિષદ કરે છે, કદી અપવાદે શાણું થાય છાપું.
કદી કશ્તી બનીને બાળકોની, પ્રથમ વરસાદમાં જઈ ન્હાય છાપું.

બગીચે બાંકડે પહોંચી ગયું તો, ચવાણાં ખાઈને હરખાય છાપું.
સવારે  નીકળે હીરોગીરીથી, ને  સાંજે પસ્તીએ પટકાય છાપું.
(નવનીત-સમર્પણ, ઓક્ટોબર ૨૦૦૭)

-મીનાક્ષી ચંદારાણા
[પાછળ]     [ટોચ]