[પાછળ]
વ્હાલપને નામ નવ દઈએ

વ્હાલપને નામ નવ દઈએ,  ઓ સખી, વ્હાલપને નામ નવ દઈએ

આંસુથી ભીંજેલા પત્તરને કેમ, સખી! કોરો તે કાગળ અમીં કહીએ?
કાળા તે અખ્ખરનો અમને ના મોહ, સખી! આંસુથી પત્તર ભીંજવીએ

સૂરજથી દાઝેલી વેણુંને  એમ સખી  વર્ષાની વાત  કેમ કરીએ
વેણુની સંગ વીત્યા દિવસોની વાત હવે દરિયો ઉભરાવીને કરીએ

દરિયાનું નામ નવ દઈએ,  હો સખી,  દરિયાનું નામ નવ દઈએ
આંસુથી ભીંજેલા પત્તરને કેમ, સખી! કોરો તે કાગળ અમીં કહીએ?

અમથી વહે જો કદી હવાની લહેરખી તો વૈશાખી વાયરો ન કહીએ
માસે માસે જો ચહો વૈશાખી વાયરો તો વાયરાનું નામ નવ દઈએ

આંસુથી ભીંજેલા પત્તરને કેમ, સખી! કોરો તે કાગળ અમીં કહીએ?
વ્હાલપને નામ નવ દઈએ,  ઓ સખી, વ્હાલપને નામ નવ દઈએ
-મેઘનાદ ભટ્ટ

ક્લીક કરો અને સાંભળો
અજીત શેઠના સ્વરાંકનમાં
ફાલ્ગુની શેઠની સુંદર રજૂઆતને
(સંગીત ભવન ટ્રસ્ટનું આલ્બમઃ ‘ટહુકે છે લીલીછમ ડાળ’, ૨૦૦૦)

[પાછળ]     [ટોચ]