[પાછળ] 
એ દર્દ જશો ના

કોયલના કંઠમાંથી, બુલબુલની ચહકમાંથી,            
                        એ દર્દ જશો ના, એ દર્દ જશો ના.
વ્હાલાના બોલમાંથી, લોચન વિલોલમાંથી,             
                        એ દર્દ જશો ના, એ દર્દ જશો ના.

દુઃખો બધાં ભૂલાવે, હોઠોમાં હાસ્ય લાવે,             
એ પ્રેમ અમરમાંથી કે પ્રેમી જીગરમાંથી,             
                        એ દર્દ જશો ના, એ દર્દ જશો ના.

માતાના ક્રોધમાંથી,  બહેનીના બોધમાંથી,             
રસિયાની રીસમાંથી, ચાતકની ચીસમાંથી,            
                        એ દર્દ જશો ના, એ દર્દ જશો ના.

જે  દર્દ  ભર્યે  હૈયે  પાપી  નમે  પ્રભુને,              
એના નિસાસામાંથી, અશ્રુ પિપાસામાંથી,              
                        એ દર્દ જશો ના, એ દર્દ જશો ના.
-પ્રભુલાલ દ્વિવેદી
ક્લીક કરો અને સાંભળો ૧૯૪૧ના નાટક ‘સંપત્તિ માટે’ના
આ લોકપ્રિય ગીતની પુનઃ રજૂઆત
બદરી પવાર અને અનુરાધા પૌડવાલના કંઠેઃ

(શ્રી વિનયકાન્ત પ્રભુલાલ દ્વિવેદીનો ખૂબ ખૂબ આભાર)
 [પાછળ]     [ટોચ]