[પાછળ]
નકશા વસંતના!

આ  ડાળ ડાળ   જાણે  કે  રસ્તા વસંતના
ફૂલો એ  બીજું  કૈં નથી,  પગલા વસંતના!

મલયાનીલોની  પીંછી  ને  રંગ ફૂલોનાં  લૈ
દોરી રહ્યું  છે  કોણ  આ નકશા વસંતના!

આ એક તારા અંગે  ને  બીજો ચમન મહીં
જાણે  કે  બે  પડી  ગયાં  ફાંટા  વસંતના!

મહેકી  રહી  છે  મંજરી  એકેક  આંસુમાં
મ્હોર્યાં છે આજ આંખમાં આંબા વસંતના!

ઊડી રહ્યાં છે  યાદનાં  અબીલ ને ગુલાલ
હૈયે થયાં  છે  આજ તો  છાંટા  વસંતના!

ફાંટું  ભરીને  સોનું  સૂરજનું   ભરો  હવે
પાછા  ફરી  ન આવશે  તડકા  વસંતના!

-મનોજ ખંડેરિયા
[પાછળ]     [ટોચ]