[પાછળ]
માણસ જેવો માણસ છું

કોમળ  છું,   કાંટાળો  છું;  માણસ જેવો માણસ છું.
પોચટ  છું,  પથરાળો  છું;  માણસ જેવો માણસ છું.

આકાશે  અણથક  ઊડવું,  આ ધરતી પર તરફડવું;
ઘાયલ  છું,  પાંખાળો  છું;  માણસ જેવો માણસ છું.

આંખે  અશ્રુની   ધારા,   હોઠે  સ્મિતના  ઝબકારા;
ખુલ્લો  છું,   મર્માળો  છું,   માણસ જેવો માણસ છું.

ધિક્કારું  છું  હું  પળમાં,  પ્રેમ  કરું છું  હું  પળમાં,
આશિક છું, કજિયાળો છું; માણસ જેવો માણસ છું.

ચોમાસે  પાણી  પાણી;    ચૈત્રે  લૂ   ઝરતી  વાણી;
ભેજલ છું,   તડકાળો છું;  માણસ જેવો માણસ છું.

શ્વાસોની મનભર માયા,  મૃત્યુની  નિશદિન  છાયા;
ક્ષણક્ષણનો તરગાળો  છું,  માણસ જેવો માણસ છું.

-ભગવતીકુમાર શર્મા
[પાછળ]     [ટોચ]