શહેરોમાં શહેર જે અમદ-અવાદ છે
પર્વત ન સાગર,
બાજર ન ડાંગર, મહેલો ન ઝાંઝર,
નદીમાં ભર્યાં બહુ ધૂળ કાંકર,
તોય શહેર એક આબાદ છે,
એનું નામ અમદાવાદ છે.
રાજા હતો એક કરણ નામે ઘેલો,
અહમદ અહીંનો થયો શાહ પહેલો,
પછી આ શહેરમાં ગાંધી ગયેલો,
શરૂ ત્યાંથી નવો ઇતિહાસ થયેલો,
આ શહેર બહુ આઝાદ છે,
એનું નામ અમદાવાદ છે.
સૈયદ સીદ્દીની છે મશહૂર જાળી,
દરવાજો લાલ અહીં ભદ્રમાં કાળી,
પ્રેમીની પ્યારી કાંકરિયાની પાળી,
દિવસે અજવાળી નગરી, રાતે રૂપાળી,
વફાના શહેરમાં જફા બધી બાદ છે,
એનું નામ અમદાવાદ છે.
મૂળે જ લહેરી, અહીંના શહેરી,
જરા તેરી-મેરી, નહીં કોઈ વેરી,
છો રસ્તા તૂટેલા ને સાંકડી હો શેરી,
દિન-રાત રહેતી લક્ષ્મીની ફેરી,
કોઈને ન કોઈથી અહીં ફરિયાદ છે,
એનું નામ અમદાવાદ છે.
પંડિત-મુલ્લા એક થાળીએ જમશે,
માન્ચેસ્ટર હિંદનું ફરી ધમધમશે,
ઘરઘરમાં યશની લાલિમા રમશે,
આવો અહીં દોસ્ત, તમનેય ગમશે,
શહેરોમાં શહેર જે અમદ-અવાદ છે,
એનું નામ અમદાવાદ છે.
મેઘધનુષ તો લાગે બે-નૂરા,
આપણે ત્યાં તો ‘નવ-રંગ-પૂરા’,
અહીં નર છે શૂરા ને નારી ચતૂરા,
સદાકાળ શાશ્વત આનંદ નાદ છે,
એનું નામ અમદાવાદ છે,
એનું નામ અમદાવાદ છે.
(૧૯૯૯)
-વિરલ મહેતા |