[પાછળ] 
આ શબ્દ હવે છૂટે તો સારું

આ શબ્દ હવે છૂટે તો સારું.
મૌન સુધીના મારગ માંડ મળ્યા છે,
વાટ ખૂટે તો સારું.

સંબોધનમાં, સંબંધોમાં,
માયાની માયામાં,
પગલે પગલે શબ્દ અહીં રોકી રાખે છે,
એના પડછાયામાં;

આ મનમાં પળ પળ ઊગતા રહેતા મોહ
હવે છૂટે તો સારું.

ક્યાં અધવચ્ચે, ક્યાં મઝધારે
ક્યાં અંતરને આરે,
ખુદને મૂકી પાછળ ચાલ્યા,
પાછા ફરશું ક્યારે!

આ જીવતર જેવું જીવતર અટવાયું છે,
જાળ તૂટે તો સારું.

આ શબ્દ હવે છૂટે તો સારું.
મૌન સુધીના મારગ માંડ મળ્યા છે,
વાટ ખૂટે તો સારું.
આ શબ્દ હવે છૂટે તો સારું.

-માધવ રામાનુજ

ક્લીક કરો અને સાંભળો આ સુંદર કવિતાની શેખર સેનના કંઠે એટલી જ ભાવવાહી રજૂઆત અને માણો હરિશ્ચંદ્ર જોશીના સ્વરાંકનનો કમાલ! સંગીતઃ સુરેશ જોશી (આલ્બમઃ સંગત, છ ઓડિયો સી.ડી.ની મધુમંજૂષા પ્રાપ્તિસ્થાનઃ પ્રવીણ પ્રકાશન, રાજકોટ)

 [પાછળ]     [ટોચ]