[પાછળ]
દેખતી માનો દીકરાને ઈ-મેલ
સંતોષ   ભરેલું  જીવન   જેનું   ને  સાગર જેવડું  સત
વેણીભાઈની  વહુ  વનિતા   લખે  ઈ-મેલ  દ્વારા   ખત
દીકરો  એનો અમેરિકા  વસે
રોહિતભાઈ    પટેલ    નામે

મનુભાઈનો મનિયો કે છે  રોહિત રોજ મને ભેળો થાય
દિવસ આખો યુ-રેલમાં  ભટકે ને  મોડી રાતે ઘર જાય
પત્ની એની  બેબી-સીટિંગ કરે ને સાંજ પડે થાકી જાય
ખાવામાં પીઝા ને બર્ગર
પીવામાં  પેપ્સી ને કોલા

શનિ-રવિ માંડ રજા મળે ત્યારે કપડાં ને વાસણ ધોવાય
થોડો ઘણો વિશ્રામ મળે ત્યારે  ટીવીના  પ્રોગ્રામ જોવાય
ડૉલરિયું     જીવન    તમારું
છતે    પૈસે   દુઃખી   થવાનું

મારે અહીં  નોકર-રસોઈયા  ને  સુખ-સાહેબી બેશુમાર
જાત  જાતનાં  પકવાન  જમીને  આનંદનો  નહિ   પાર
પૈસો   ભલે   હોય   તમારે
સોના  જેવું  જીવન  અમારે

શનિ-રવિ  ઘેર  મેળો   જામે   ને   પિકનિકો  ગોઠવાય
મન થાય ત્યારે  હોટલ-ખાણાં  ને નાટક સિનેમા જોવાય
પૈસો   ભલે   હોય   તમારે
સોના  જેવું  જીવન  અમારે

ઈચ્છા થાય ત્યારે  આવતા રહેજો  ખુલ્લાં છે મારા દ્વાર
માણસાઈના  અહીં  દીવા બળે  છે ને  શાંતિ અપરંપાર
ભારત જેવો દેશ નહીં દીકરા
છોડી દે  અમેરિકાનાં  ઠીકરાં
-ગિરધરદાસ વિ. સંપટ 
[પાછળ]     [ટોચ]