[પાછળ]
એક દિ મમ્મી નાની થઈ ગઈ
એક દિ મમ્મી નાની થઈ ગઈ, ને હું થઈ ગઈ મોટી, મેં તો એને નવડાવી, લઈને સાબુની ગોટી! ભેંકડા એણે ખૂબ જ તાણ્યાં, કર્યું બહુ તોફાન! મેં પણ એનું માથું ધોયું , પકડીને બે કાન! તૈયાર કરી, માથે એને લઈ દીધી’તી ચોટી, એક દિ મમ્મી નાની થઈ ગઈ, ને હું થઈ ગઈ મોટી. એને ભલે રમવું હોય પણ, લેસન હું કરાવું! વ્હેલી વ્હેલી ઉઠાડી દઉં, બપોરે સુવરાવું! બપોર વચ્ચે ગીતો ગાય તો ધમકાવું લઈ સોટી, એક દિ મમ્મી નાની થઈ ગઈ, ને હું થઈ ગઈ મોટી. દોડા-દોડી કરે કદી તો બૂમ-બરાડા પાડું ચોખ્ખી લાદી બગાડે તો, ફટકારી દઉં ઝાડું! તોફાન કરે તો ખીજાતી આંખો કાઢી મોટી, એક દિ મમ્મી નાની થઈ ગઈ, ને હું થઈ ગઈ મોટી.
-ડૉ. આઈ. કે. વીજળીવાળા
[પાછળ]     [ટોચ]