સટ્ટાખોર વાણિયાને જવાબ
સટ્ટાખોર એક વાણિયો મુંબઈમાં રહેતો,
દાડી દાડી હનુમાનને હાથ જોડી કહેતો;
“અંતરયામી બાપ, તમે જાણો મારી પીડ,
પાંચસો જો અપાવો તો ભાંગે મારી ભીડ,
પાંચસો જો અપાવો તો પાઠ પૂજા કરું,
શનિવારે પાઈ પાઈનું તેલ લાવી ધરું.”
એક દાડો હનુમાનને એવી ચડી ચીડ,
પથ્થરમાંથી બેઠા થયા, નાખી મોટી રીડ
“પૂજારીનો ઓશિયાળો ખાવા દે તો ખાઉં,
કેમ કરી ભૂંડા, હું તો તારી વહારે ધાઉં?
પાંચસોના બદલામાં આપે પાઈપાઈનું તેલ,
પૂછડું દેખી મૂરખ, મને માની લીધો બેલ?
પાંચસો જો હોય તો કરાવું ન હું હોજ?
ભરાવીને તેલ, પછી ધૂબકાં મારું રોજ!”
-પ્રેમશંકર નરભેરામ ભટ્ટ (૧૯૧૪-૧૯૭૬)
|