[પાછળ] 
નાના થૈને રમવા આવો!
નાના થૈને,  નાના થૈને,  નાના થૈ ને રે!

બાપુ ! તમે નાના થૈને રે         
        મારા જેવા નાના થૈને રે.
છાનામાના રમવા આવો! નાના થૈને રે.
નાના થૈને,  નાના થૈને,  નાના થૈ ને રે!

નાના કેવી રીતે થાવું,           
        આવો, બાપુ! રીત બતાવું:
ઢીંકા-પાટુ,  પીવું-ખાવું પાડા થઈને રે.
છાનામાના રમવા આવો! નાના થૈને રે.
નાના થૈને,  નાના થૈને,  નાના થૈ ને રે!

શેરી વચ્ચે નાચવા આવો,        
      ઓળકોળાંબે હીંચવા આવો,
બોથડ મોટી મૂછ બોડાવો પૈસો દૈને રે.
છાનામાના રમવા આવો! નાના થૈને રે.
નાના થૈને,  નાના થૈને,  નાના થૈ ને રે!

સૂરજ ભૈની નાનકી છોડી,       
          કુરડીએ કંકુડા ઘોળી,
દા'ડી દા'ડી આવે દોડી દરિયો થૈને રે.
છાનામાના રમવા આવો! નાના થૈને રે.
નાના થૈને,  નાના થૈને,  નાના થૈ ને રે!

ડુંગર ઉપર જઈ બોલાવો:        
       ઉષા બે'ની આવો આવો!
એની પાસે ગાલ રંગાવો ગોઠ્યણ થૈને રે.
છાનામાના રમવા આવો! નાના થૈને રે.
નાના થૈને,  નાના થૈને,  નાના થૈ ને રે!

રચનાઃ ઝવેરચંદ મેઘાણી
સ્વરઃ ઐશ્વર્યા મઝુમદાર
સ્વરાંકન-સંગીતઃ દેવાંગ પટેલ

ક્લીક કરો અને સાંભળોઃ

(આલ્બમઃ નાચે ગુજરાત, ૨૦૧૩)
 [પાછળ]      [ટોચ]