[પાછળ]
તોડવાં છે સઘળાં સગપણ

એક એરણ, કે પછી ઘણ, હોય એ આપો મને,
તોડવાં સઘળાં જ સગપણ, હોય એ આપો મને.
છાતીમાં અંગાર ચાંપુ? હોઠ સળગાવું? કે શું?
આ તૃષાનું જે નિવારણ હોય, એ આપો મને.

રાતનું લઈ ચેન, આખો દિ’ જે આંસુ દઈ જતી,
એવી પ્રીતિનું વળામણ હોય એ આપો મને.
ભૂખનો મતલબ રહ્યો ના, ને તરસ કોઠે પડી,
શુષ્ક દરીયો કે સભર રણ, હોય એ આપો મને!

આજીવન દેતી રહી છું, આજીવન દેતી રહીશ,
એકાદ આંસુ કે કંઈ પણ હોય એ આપો મને.
કૃષ્ણ માફક કોઇને તરછોડી દે, એ હું નથી,
ગાયધણ, વ્રજકણ કે માખણ, હોય એ આપો મને.

-નેહા પુરોહિત
[આ કવિતાનો પાઠ લોકપ્રિય વેબસાઈટ લયસ્તરો.કોમ પરથી સાભાર લેવામાં આવ્યો છે.]
[પાછળ]     [ટોચ]