[પાછળ]
પીંપળ પાન ખરંતા

કાયા  કાચો  કુંભ  છે   જીવ   મુસાફર  પાસ
તારો ત્યાં લગી  જાણજે જ્યાં લગી શ્વાસોશ્વાસ

સદા સંસારમાં  સુખ દુઃખ સરખાં માની લઈએ
રાખે  જેવી રીતે  રામ,  રંગે તેવી રીતે  રહીએ

પીંપળ   પાન   ખરંતા,    હસતી     કૂંપળીયાં
મુજ  વીતી   તુજ  વીતશે,   ધીરી   બાપુડીયાં

નહિ જેવી ને તેવી નિત્ય કોઈની નભતી જોઈએ
દશાના ઢંગ  ઋતુના  રંગ  જેવા  દેખી  લઈએ

કદી  મહોલાતો  માળીયાં,  કોમળ  છપ્પર ખાટ
કોઈ દિન  એવો આવશે,  ભૂખ્યાં  ન મળે ભાત

(નાટક: વીણાવેલી)                              

-ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી
[પાછળ]     [ટોચ]