આંદોલનો બેય મધ્યે રહું છું
(ઉપજાતિ)
પૃથ્વી થકી માનવ સૂક્ષ્મ જેટલો, પૃથ્વીય સૂર્યો થકી સ્વલ્પ તેટલી;
અધિક વા તારકવૃન્દ કેટલા નિહારિકા એક વિષે સમાય.
આકાશગંગાજલમાં નિહારિકા અનંત જાણે લઘુ બુદ્બુદો રમે!
પરંપરા આવી અનેક ગગને ફેલાય દિક્કાલ ન તોય આવરે.
અખંડ બ્રહ્માંડ તણો પસારો થોડાંક બિંદુ અવકાશમાં પડ્યાં;
વિશાળ મેદાન વિશે શું વીખરી, બે-ચાર દાણા પડિયા જ રાઈના!
દિક્કાલની એમ વિશાળતાનો અનંત શ્રેણી લગ પાર ના'વે;
વિજ્ઞાનના ઉત્ક્રમ સાથ એ વધે, નવા નવા પ્રદેશ ખોલે.
મનુષ્યથી ઉર્વિ વિશાળ જેટલી, અણુથકી માનવદેહ એટલો;
અણુ વિષે યે અણુઓ અનંત બીજા સમાયા, જ્યમ સૂર્યમાલા
વિષે ગ્રહો, ચંદ્રગણો, ઉપગ્રહો, અસંખ્ય તારા ખરતા, દિને દિને
પસારતા પૂંછડું ધૂમકેતુ, અનેક સત્ત્વો, –ન ગણાય જેહને!
અણુનું અલ્પત્વ વિરાટ એટલું પ્રત્યેકમાં વિશ્વ સ્ફુરે, રમે, શમે:
બ્રહ્માંડની સર્વ લીલા ધરંતા સૂક્ષ્મત્વનોય ન ક્યંહિ પાર આવે!
ઊંચે નિહાળું, લઘુ બિંદુ જેવડો અફાટ હું સાગરમાં જણાઉં;
નીચે કરું જો દૃગ, તો વિરાટ શો વ્યાપી રહું બિંદુની પાસ સિંધુ.
વિશાળતાથી હું ફૂલાઈ જાઉં તો અલ્પત્વની યાદ મને ઉગારે:
સૂક્ષ્મત્વથી જો હું હતાશ થાઉં તો વિરાટ હું એ સ્મૃતિ પ્રાણ પૂરે,
આંદોલનો બેય મધ્યે રહું છું, વિકાસ-સંકોચ વિષે શ્વસું છું.
(બ.ક.ઠા. સંપાદિત ‘આપણી કવિતા સમૃદ્ધિ’ આવૃત્તિ પહેલી: ઈ.સ. ૧૯૩૧)
-રામપ્રસાદ મોહનલાલ શુક્લ
|