બામણાગામની ભીખલી
બામણા ગામની ભીખલી રે,
એક ભીખલી રે, એની આંખમાં આંજેલ મેશ,
લીલા કાચની બંગડી રે,
ચાર બંગડી રે, એનો ચુંદડિયાળો વેશ.
ઘમ્મર ઘેરો ઘાઘરો રે,
એક ઘાઘરો રે, એના પગમાં કાંબી ઠેશ,
ડોકમાં રૂપા હાંસડી રે,
એક હાંસડી રે, એના તાણી ગૂંથેલ કેશ.
નાકમાં પીતળ નથણી રે,
એક નથણી રે, એના કાનમાં લોળિયાં લ્હેર,
મુખમાં ચૂંગી શોભતી રે,
એક શોભતી રે, એના ધૂમની ચાલે સેર.
ખેમલો એનો દીકરો રે,
એક દીકરો રે, એની ઉઘલાવી છે જાન,
ભીખલી પહેરે ઝૂમણાં રે,
સૌ ઝૂમણાં રે, આજ હરખે ભૂલે ભાન.
આઠ દહાડા પર ગામમાં રે,
આ ગામમાં રે, એક નીકળી બીજી જાન,
ગામ આખાનું માનવી રે,
સૌ માનવી રે, જઈ ભેગું થયું શમશાન,
ગામના શેઠની સુન્દરી રે,
રૂપસુન્દરી રે, ત્યાં પોઢી અગન સાથ,
હીરની નવરંગ ચુંદડી રે,
રંગ ચુંદડી રે, ત્યાં ભીખીને આવી હાથ.
શેઠાણી પહેરે ચુંદડી રે,
રંગચુંદડી રે, જ્યારે નીકળે એના પ્રાણ,
ભીખલી પહેરે ચુંદડી રે,
રંગચુંદડી રે, જ્યારે નીકળે છૈયાની જાન.
-સુન્દરમ્
(‘કાવ્યમંગલા’, પ્રથમ આવૃત્તિ. જન્માષ્ટમી: વિક્રમ સંવત ૧૯૮૯) આ એક જ કવિતા ‘સુન્દરમ્’ને આપણા ટોચના કવિઓમાં સ્થાન આપવા માટે પૂરતી છે. હા, તા. ૫ જૂન, ૧૯૩૨ના રોજ લખાયેલી આ મૂળ કવિતામાં કેટલાંક એવાં શબ્દ વપરાયા છે કે જેની સામે આજે આક્રોશનો વંટોળ ઊઠી શકે. આથી એ શબ્દો અત્રે બદલી નાખવામાં આવ્યા છે. આ કવિતા સૌથી પહેલા ‘પ્રસ્થાન’ સામાયિકના સંવત્ ૧૯૮૯ના કારતક-માગશર અંકમાં છપાઈ હતી. |
|