[પાછળ]
અઝાન
પરમેશ  પ્રભુ!    પરમેશ  પ્રભુ!            
પરમેશ  પ્રભુ!    પરમેશ  પ્રભુ!       ... ૧

પ્રભુ એક તું હી વિણ  અન્ય પ્રભુ          
નથી કોઈ બીજો, પ્રભુ! સાક્ષી પૂરું;     ... ૨

પ્રભુ એક તું હી વિણ  અન્ય પ્રભુ          
નથી કોઈ બીજો, પ્રભુ! સાક્ષી પૂરું;     ... ૩

વળી એ પણ-  એ પણ સાક્ષી પૂરું          
મહમૂદ,   રસૂલ-ખુદા,  ગણું   છું.     ... ૪

વળી એ પણ-  એ પણ સાક્ષી પૂરું          
મહમૂદ,   રસૂલ-ખુદા,  ગણું   છું.     ... ૫

સહુ  પાક  નમાઝ   વળો  પઢવા;          
સહુ  પાક  નમાઝ   વળો  પઢવા.      ... ૬

સહુ આવો  ભલાઈ ભલી  પઢવા;           
સહુ આવો  ભલાઈ ભલી  પઢવા.      ... ૭

(મીઠી ઊંઘથી પાક નમાઝ ભલી;             
 મીઠી ઊંઘથી પાક નમાઝ ભલી.)       ... ૮

( ન ગુનાહ કરો, અલ્લાહ વિના–            
  નથી કૌવત એકલી બંદગીમાં.)        ... ૯

પરમેશ  પ્રભુ!   પરમેશ  પ્રભુ!              
પ્રભુ એક વિના નથી અન્ય પ્રભુ.      ... ૧૦

-કરીમ મહમદ માસ્તર

ઈ.સ. ૧૯૨૪માં પ્રસિદ્ધ થયેલા રામનારાયણ વિશ્વનાથ પાઠક સંપાદિત પુસ્તક ‘કાવ્ય સમુચ્ચય’ ભાગ-૧માં અપાયેલી આ કવિતા એ અરબી અઝાનનું ગુજરાતી ભાષામાં કરાયેલું કાવ્યમય રૂપાંતર છે. દરેક મસ્જિદમાં નમાઝ પહેલાં નમાઝનો વખત થઈ ગયો છે તેની બધાંને જાણ કરવા મિનારા પર ચઢીને જે પોકાર કરવામાં આવે છે તે અઝાન કહેવાય છે. અઝાન અરબી શબ્દ છે. ફારસી ભાષામાં તેને બાંગ કહેવામાં આવે છે. અઝાન સંભળાય ત્યારે બધું કામકાજ છોડી અઝાન પૂરી થાય ત્યાં સુધી અઝાનમાંજ ધ્યાન આપવું જોઈએ. શ્રદ્ધાળુ મુસ્લિમો દિવસમાં પાંચ વખત નમાઝ પઢે છે. કૌંસમાં અપાયેલી ૮મી કડી માત્ર ફજરની એટલે કે વહેલી સવારની સૂર્યોદય પહેલાની નમાઝ વખતે બોલાય છે. બાકીની ચાર જુહર, અસર, મઘરિબ અને ઈસાનની નમાઝ માટેની અઝાનમાં તે કડી બોલાતી નથી. જ્યારે બાંગ પોકારનાર છઠ્ઠી અને સાતમી કડી પોકારે ત્યારે સાંભળનારાએ તેના જવાબમાં ૯મી કડી જે કૌંસમાં અપાઈ છે બોલવી રહે છે. તે સિવાયની બાકીની બધી કડીઓ બાંગ પોકારનાર જેમ જેમ બોલે તેમ તેમ મનમાં ને મનમાં ધીમેથી બોલવી જોઈએ.

[પાછળ]     [ટોચ]