અમને દોડાવ્યા ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા; અમારામાં જ ઈચ્છાનાં હરણ દઈ અમને દોડાવ્યા. અમે ક્યાં જઈ રહ્યા, ક્યાં પ્હોંચશું,એની ખબર ક્યાં છે, અમારી ફરતું કાયમ આવરણ દઈ અમને દોડાવ્યા . દીધું છે એક તો બેકાબૂ મન, ના હાથ રહેનારું, વળી એમાં સલૂણી સાંભરણ દઈ અમને દોડાવ્યા. અહીં આ રામગિરિની ટોચ પરથી છેક અલકા લગ, અષાઢી સાંજનું વાતાવરણ દઈ અમને દોડાવ્યા. બધાને દોડવા માટે દીધાં સપનાં ને આશાઓ, અમે કમભાગી કે ના કંઈ પણ દઈ અમને દોડાવ્યા. ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત, સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા. ઘસાતા બંને પગ ગોઠણ સુધીના થઈ ગયા પણ તેં – થયું સારું, કવિતાના ચરણ દઈ અમને દોડાવ્યા. -મનોજ ખંડેરિયા
|