[પાછળ]
મન ન માને એ જગાઓ પર
મન ન માને  એ જગાઓ પર જવાનું છોડીએ,
કોઈના  દરબારમાં   હાજર   થવાનું  છોડીએ.

પ્રેમના પ્રકરણ  વિશે  કંઈ  બોલવાનું  છોડીએ,
ચોપડીમાં  એક  વચ્ચે   કોરું   પાનું   છોડીએ.

હોય  જો તાકાત  તો  બે-ત્રણ હલેસાં  મારીએ,
જળને વહેવાની રસમ  શિખવાડવાનું  છોડીએ.

આમ સ્હેજે આવવાનું  એ છે પાસે  ખુદ-બખુદ
અહીં  કે ત્યાં આજે  કે કાલે શોધવાનું છોડીએ.

કંઠમાં  શોભે  તો શોભે  માત્ર પોતાનો અવાજ,
પારકી   રૂપાળી    કંઠી   બાંધવાનું    છોડીએ.

કોઈ  દુર્ગમ પથ  ઉપર તૂટેલી ભેખડ કાં બનો?
છોડીએ   તો  એક  સીમાચિહ્ન  નાનું  છોડીએ.
-હેમેન શાહ

ક્લીક કરો અને સાંભળો મનહર ઉધાસની સુંદર રજૂઆતઃ

[પાછળ]     [ટોચ]