[પાછળ]
એક ખજુર ને એક કાજુ દાણો
ગુણગ્રાહકો, આવો બન્ને માણો

બે ગુજરાતી અ-કવિઓની કલમમાંથી સરી પડેલી નીચેની કાવ્ય-પંક્તિઓ માણવા જેવી છે. એક કાવ્યમાં ઈશ પ્રત્યે અપાર શ્રદ્ધા દર્શાવાઈ છે તો બીજા કાવ્યમાં પરમાત્મા માટે પરમ શ્રદ્ધા છે પણ કોઈ અવતાર, ગુરુ, પયગંબરને વિવેકના ક્ષેત્રથી પર માનવામાં આવ્યો નથી.

ઈશ એક જ
કુલહોવલ્લાહ
કહી દે, ઈશ એક જ, એક જ છે;
સંસારથી પાક, પવિત્ર જ છે;
નથી જન્મ લીધો
નથી જન્મ દીધો
કદી કો કુખથી
કદી કો જનમી;
નથી ખેશબિરાદર એક વળી,
ખલકે,
ફલકે,
નહિ કોઈ સ્થળે.

ખૂદ આપ જ આપ થકી પ્રકટી,
પ્રકટાવી દીધી સહુ ખલક તને;
ધર્યું નામ ખુદા;
રહ્યું યાદ સદા;
ઈશ એક જ, એક જ, એક જ છે.

-કરીમ મહમદ માસ્તર (રા.વિ. પાઠક સંપાદિત ‘કાવ્ય સમુચ્ચય’ ભાગ-૨ પૃષ્ઠ ૭) --------------------------------------

પરમાત્મા એક કેવળ માનો પરમાત્મા એક કેવળ ન માનો દેવ-દેવતા-પ્રતિમા સકળ ન માનો કોઈ અવતાર-ગુરુ-પયગંબર સર્વે સદ્ગુરુ બુદ્ધ તીર્થંકર માનો જ્ઞાની-વિવેકદર્શી કેવળ ન કો સર્વજ્ઞ-અસ્ખલનશીલ ભલે ઊંચા રાહબર ન કો શાસ્ત્રનો વક્તા પરમેશ્વર ન કો વિવેકના ક્ષેત્રથી પર સાર્વજનિક ધર્મ સદાચાર શિષ્ટાચાર મુક્ત બ્રહ્મનિષ્ઠનેય ન ભંગનો અધિકાર ભલે બુદ્ધિ શુદ્ધ, ચિત્ત સદા નિર્વિકાર રાખવો પરમેશ્વરનો જ આશ્રય ન કોઈ સર્જિત- કલ્પિતમાં પેગંબર-ઈશ્વરપણાનો નિશ્ચય ન પ્રમાણો કોઈ સંશયયુક્ત આચાર ભલે ગમે તેવો મોટો આચરનાર કે ગમે તેવો શાસ્ત્રનો આધાર માનવ માત્રને હૃદયથી અપનાવવા જીવ માત્રને પ્રેમામૃતે નવરાવવા એનાં સમાધાન, શાંતિ ને મોક્ષ રોકડાં, અકલ્પિત અને અપરોક્ષ

-કિ.ઘ. મશરૂવાળા

(ગાંધીજીના અંતેવાસી છતાંય ગાંધીજીથી સ્વતંત્ર વિચારધારા ધરાવતા કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળાના પુસ્તક ‘સમૂળી ક્રાંતિ’માંથી અલગ અલગ સ્થળેથી આ પંક્તિઓ લેવામાં આવી છે.)

[પાછળ]     [ટોચ]