[પાછળ]
હલેસાં! હલેસાં! હલેસાં! હલેસાં!

હલેસાં,    હલેસાં,   હલેસાં,   હલેસાં!
ધસો હાં!  ખસો ના!  ખલાસી હલેસાં!
હિંમતે મરદાં,  મદદે ખુદા હો  હલેસાં!
મથો સાથે,  વિખુટા ન  જૂદા,  હલેસાં!

વહાણ  ચડ્યું  ખરાબે, ખરાબે  હલેસાં!
આવી અટક્યું  ખડકે  આ હાલે હલેસાં!
સઢો   સહુએ  સંકેલો  સપાટે   હલેસાં!
દોર ખેંચો ખૂબ  ધીંગા  ઝપાટે  હલેસાં!

થાક્યો માલમ સુકાની! ન થાકો! હલેસાં!
નાખૂદા  મુંઝાયો!   ન  થાકો!   હલેસાં!
દરિયો ફૂંકે આ સામો ના બ્હીજો હલેસાં!
નાંગર નાખો છિપાવો ના બ્હીજો હલેસાં!

મોજાં મારે ઉછાળા  આ ચાલ્યા હલેસાં!
કકડે કડડડ પાટીયાં આ ચાલ્યા હલેસાં!
કામ બળનું ના!  કળનું જુવાળે, હલેસાં!
છૂટ્યું સરરસટ વહાણ આ કાળે હલેસાં!

હિંદ  વહાલો  આ તંત્રે  ઘુંચાયો-હલેસાં!
સુસમાજે  ભાઈ  આજે  ઘુમાયે-હલેસાં!

(રા.વિ. પાઠક સંપાદિત ‘કાવ્ય સમુચ્ચય’ ભાગ-૧, પૃષ્ઠ ૧૨૩)

હરિલાલ હર્ષદરાય  ધ્રુવ
[પાછળ]     [ટોચ]