[પાછળ]
દર્પણનું સત્ય

અમથી અમથી તું ટીચે છે એના ઉપર ચાંચ
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.

રોજ રોજ તું ભૂલી પડતી આ ખોટા સરનામે,
બિંબ જોઈને  ઝૂર્યા કરતી  તું  દર્પણની સામે.
કોઈ નથી એ બીજું મ્હોરું, ખાલી છે આ કાચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.

ડાળ ઉપરથી ચીંચીં કરતી, ઘૂમરાતી તું ઘેલી,
વ્યાકુળ  થઈને ખખડાવે છે બંધ કરેલી ડેલી,
કોઈ નથી ખોવાયું તારું, ના કર અમથી જાંચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.

ફરફર ફરફર ફરક્યાં કરતી તારી કોમલ પાંખો,
કોઈ નર્તકી  જેમ નાચંતી  તારી બન્ને આંખો,
કોઈ નથી  જોનારું અંદર,  તારો સુંદર  નાચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.

ઝૂરી ઝૂરી થાકી ગ્યા છે, કૈંક અહીં છેવટમાં,
લોહી નીગળતી ચાંચ રહે છે, અંતે અહીં ફોગટમાં,
પથ્થર છે આ, નહીં આવે કંઈ એને ઊની આંચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.

(કાવ્યપાઠ લયસ્તરો.કોમ પરથી સાભાર)
-જીતેન્દ્ર જોશી
[પાછળ]     [ટોચ]