[પાછળ] 
મળ્યું જીવવાનું બહાનું
હૈયે  મારે જલધિજલનાં  શીકરો  ઊછળે  છે,
દાદા થ્યાનો  અવસર  દિલે  દીપતેજે ઝગે છે.
દાદી  એની  હરખ કરતી,  બોલતી  પોરસીને:
‘ચાલો, જૈએ ગળપણભરી  લાગણીઓ લઈને!’

ને એ દોડી, હું અનુસરિયો, વાધતો વંશ ભાળી,
પ્હોંચી થ્યું કે, ‘પુતરઘર  હું પારકો, એ પરાઈ.’
બેટો  મારો  વરતન  થકી  લાગતો’તો પરાયો,
ને એની આ વહુ-વદન પે ભાવ ના કો કળાયો.

તોયે દાદી  કુસુમવત  આ  બાળને ગાલ  ચૂમે,
ભૂલી વૈને  ચકર  ભમતી  ગોળ ને ગોળ  ઘૂમે.
તેડી  લાવી  મુજ કને વદે : ‘દીકરો લો તમારો;
લાગે જાણે  અસલ નકશો  બાપના બાપ જેવો.’

દેખી મારી  નખશિખ  છબી;  પુત્રનો પાડ માનું
છો ના આપ્યું કશું; પણ મળ્યું, જીવવાનું બહાનું.

(કાવ્યપાઠ લયસ્તરો.કોમ પરથી સાભાર)

-ગુણવંત વ્યાસ
 [પાછળ]     [ટોચ]