[પાછળ] 
તત્ત્વમસિ, શ્ર્વેતકેતુ!

આપણે ભરોસે આપણે ચાલીએ
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.

એક મહેનતના હાથને ઝાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.

ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો
ખુદાનો ભરોસો નકામ;
છો ને એ એકતારે ગાઈ ગાઈને કહે,
‘તારે ભરોસે, રામ !’
એ તો ખોટું રે ખોટું પિછાણીએ, હો ભેરુ મારા…

બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી,
સાગર મોઝારે ઝુકાવીએ;
આપણા વહાણનાં સઢ ને સુકાનને
આપણે જ હાથે સંભાળીએ, હો ભેરુ મારા…

કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઈ જાય સામે પાર;
એનો કરવૈયો કો આપણી બહાર નહીં,
આપણે જ આપણે છઈએ, હો ભેરુ મારા…

-પ્રહ્‌લાદ પારેખ

ક્લીક કરો અને સાંભળો પરેશ ભટ્ટના સ્વરનિયોજનમાં તેમના જ કંઠે આ કાવ્યની સુમધુર રજૂઆતઃ

આ સરસ રેકોર્ડિંગ લોકપ્રિય વેબસાઈટ ટહુકો.કોમ પરથી થોડું ટૂંકાવીને સાભાર લેવામાં આવ્યું છે.


 [પાછળ]     [ટોચ]