[પાછળ]
અમે માગીએ ઈશ પ્રેમ તારો

(છંદ ભુજંગી)
અહો નાથ! ઊભા અમે હાથ જોડી
કરો રંક સામે કૃપા દૃષ્ટિ થોડી
સદા  તાપ ને પાપથી  ઉગારો
અમે માગીએ ઈશ ઓ પ્રેમ તારો

ઉગ્યો સૂર્ય તો પૂર્વમાં પૂર તેજે
ગઈ રાત વીતી જુઓ વાત સ્હેજે
પ્રભો ! તું વિના કોણ સંભાળનારો
અમે માગીએ ઈશ ઓ પ્રેમ તારો

પશુ પક્ષી ને પ્રાણીઓ કામ લાગ્યા
પડી એમ ઉદ્યોગમાં, સુખ માગ્યા
અમારી પ્રભો ! બુદ્ધિ વિદ્યા વધારો
અમે માગીએ ઈશ ઓ પ્રેમ તારો

કુડાં દુઃખ કાપી રૂડાં સુખ આપો
અમારે શિરે નાથજી હાથ થાપો
સુખે જાય આ આજનો દિન સારો
અમે માગીએ ઈશ ઓ પ્રેમ તારો

-અરદેશર ફરામજી ખબરદાર

[પાછળ]     [ટોચ]