[પાછળ]
વૃક્ષની વસતીગણતરી

કેડ પર જંગલ ખાતાએ ગેરુઆ રંગના પટ્ટા પહેરાવ્યા તેના પર વીંછીવઢ આંકડાનો ડંખ ધ્રૂજી ઊઠ્યાં અંગેઅગ વનોમાંય થઈ રહી અમારી વસતીગણતરી? વૃક્ષાળતા કંપી સાશંક : આપણે હવે કોક ચોપડાનો અંક! કોઈ અજાણ્યા પથિકને છાંયડી દીધાનો ય હવે નોંધાશે ગુનો? તૂટી રહ્યો આભનો પણ સંબંધ જૂનો રેતીમાં તરફડતી મૃતપ્રાય નદીને કાંઠે વસીને કેમ જોયા કરવી તેની તરસ? અમે થોડાંક ભાગીને આવ્યાં આ તમારા આંકેલા મલકમાં તો તમે દારોગાની જેમ ઊભા રાખી દીધા અમને બાગબગીચે! આ આસ્ફાલ્ટના રસ્તાને કાંઠે ખોડાઈને ખાલી ચડી છે પગે ડાળ પર પંખી આવીને બેસે તેનોય નથી રહ્યો વનાળ રોમાંચ અહીં રહી રહીને તો લાગે છે ઔપચારિક આ ઋતુ ઋતુની આવનજાવન લાવો, ક્યાં છે અમારાં વનેવન?

-ભાનુપ્રસાદ પંડ્યા

[પાછળ]     [ટોચ]