[પાછળ]
નાણું આપે નરભો રે

નાણું આપે નરભો રે, વાવરજો છોગાળા;
ગાંઠ બાંધજો તાણી રે,  ધોળી ધજાવાળા.

કપટી કેશવ જાણત તો શાને આવત પચાસ જોજન,
સાંભળ્યું શ્રવણે સાધુને છાપે, માટે મળવા ધસ્યું મન.

દરશન દો ને રે દૂર કરી પાળા,
નાણું આપે નરભો રે, વાવરજો છોગાળા;
ગાંઠ બાંધજો તાણી રે,  ધોળી ધજાવાળા.

ભેખ દેખીને  અજર  નથી કરતા, છાપ આપો  છો  હરિ;
પાઘડી ભાળી, છાપ ખાળી, છબીલા પરીક્ષા તો એવી કરી.

સમસ્યા લેજો સમજી રે, જે કહી કાનડ કાળા,
નાણું આપે નરભો રે, વાવરજો છોગાળા;
ગાંઠ બાંધજો તાણી રે,  ધોળી ધજાવાળા.

હારો છો જનથી, નથી હરવતા, માટે હરિ હઠ મેલ,
કહે નરભો  છોટાલાલ પ્રતાપે,  નથી એ તલમાં તેલ.

લેવાનું મુજ પાસે રે હરિ હરિ જપમાળા,
નાણું આપે નરભો રે, વાવરજો છોગાળા;
ગાંઠ બાંધજો તાણી રે,  ધોળી ધજાવાળા.
-નરભેરામ
[પાછળ]     [ટોચ]