[પાછળ]
અખાની આકરી વાણી

પોતે   હરિ   નહીં  જાણે  લેશ,  કાઢી   બેઠો  ગુરુનો  વેશ
સાપને  ઘેર  પરોણો  સાપ,  મુખ  ચાટી  ચાલ્યો  ઘેર આપ
એવા ગુરુ  ઘણા  સંસાર,  તે  અખા  શું  મૂકે  ભવ  પાર?

ગુરુ  થઈ  બેઠો  હોંશે  કરી,  કંઠે  પાણો  શકે  કેમ  તરી?
જ્યમ  નાર નાનડી  હવું પ્રસૂત,  વળતી વાધે  નહિ અદભુત
શિષ્યને   ભારે  ભારે  રહ્યો,   અખા   તે   મૂળગેથી   ગયો

દેહ   દમન   મુંડાનું   કર્મ,   મૂરખ   જાણે   માંડ્યો    ધર્મ
પીડે  પીંડને   પેટને  કાજ,    કાયા  કસી  જાચે   મહારાજ
વિષે  વળુંધ્યો  વ્યસની  થયો,   અખા  આત્મપરિચય  ગયો

તીર્થ  કોટિ   હરિજનને  ચરણ,  કૃપા  હશે  તે જાશે  શરણ
બારે   કાળે  હરિજનને  હૃદે,   હરિ  બોલાવે  તે  જન  વદે
મહા  મોટા  જનનો  પ્રતાપ,  અખા  થાય   હરિ  આપોઆપ

ઊંચ ખરા  તે  ઊંચ  ન  જાણ,  નીચ  તે નોહે  નીચ  નિર્વાણ
ઊંચમાં રામ બમણો નથી ભર્યો  ને  નીચપિંડ ઠાલો નથી ઠર્યો
કહે અખો  સ્વપ્નમાં  બક્યો,  જેમ છે  તેમ  જોઈ  નવ શક્યો

પોતાનાં   પડખાં    નવ   જુએ,   હાડ  ચામડાં  મૂરખ   ધુવે
શદ્ધ   કેમ   થાય   ચામડું,     મોટું    માંહે    એ     વાંકડું
હરિ  જાણ્યા  વિના  ભૂલા  ભમે,  અખા  પાર ન  પામે ક્યમે

માયાના  મર્કટ   સહુ   લોક,   પલકે  સુખ   ને  પલકે  શોક
કપિને  જેમ   શણગાર્યો   નટે,   ભીખ  મંગાવે  રહ્યો   ચૌટે
અખા    લે   સર્વે   ઉદાલ્ય,    કંઠે     દોરડી    પૂંઠે   કાળ

બાળક   જેમ   રમાડે   શ્વાન,    દુર   થકી   દેખાડે   ધાન
પૂંછ   હલાવી   ચાટે    લાળ,   ઊંચું   કરી   ભરાવે   ફાળ
લલચાવ્યો   દેશાંતર    જાય,   અખા   એમ    રમાડે  માય

તપ  તીરથ   દાન  વ્રત  નેમ,   ઘેર  બેઠાં   તે   પામે   ખેમ
સદ્‌વિચાર થડ  જેણે  ગ્રહ્યું  તેને  શાખા  પત્ર બારું નવ રહ્યું
સદ્‌વિચાર   વિણ  કરે   જે  ઘણું,  તે   ધૂળ  ઉપર  લીપણું

-અખો
[પાછળ]     [ટોચ]