[પાછળ]
જૂનું ઘર સાફ કરતાં...

(કટાવ) થયું મને કે લાવ હવે આ જૂના ઘરમાં વાળી ઝૂડી ખૂણે ખૂણો ફંફોળી લઈ ફગવી દઉં હું કચરો સઘળો. અવાવરુ અરમાન પડ્યા છે એને બદલે થોડાયે કૈં નવાં વસાવી લઉં સડી ગયેલાં સ્વપ્નો ફેંકી, કટાઈ ગયેલી તૃષ્ણાઓનું કહોવાયેલ કલેવર બદલી નવું નકોર ચડાવી દઉં. અભિલાષોના દડિયાના કૈં ગંજ આ બધા અટવાતા ને અથડાતા જે એષણા તણી અનેક સળીઓ છૂટી પડી ગઈ એ સઘળાનો ભેગો કરી ભંગાર ટોપલે લાવ ઉકરડે નાખી આવું. નાખી આવી; શ્વાસ લીધો ના જરી તહીં તો આવી એકેએક ભરાયા ભીતર પાછાં! નિર્વાસિત ગણી લઈને શું ફરી વસાવી લઉં?

-સુશિલા ઝવેરી
[પાછળ]     [ટોચ]