હૃદયની આજ્ઞા એક ને...
જીવ આખો તો જાણે મારો
કુટુંબ કુટુંબ જલ્પે છે.
ભવસાગરનો એ મુજ પહેલો આરો
કઈ દિશામાં હવે શોધું?
અરેરે! પણ હૃદયની આજ્ઞા એક
ને ચરણનાં ચાલવાં બીજાં.
આમ ન જાવ કહું
તો યે પગલાં વળે છે
એ દિલ દાખવી દિશામાં.
જમણું નયન સ્વર્ગ જુવે
ને ડાબું નયન નરકતમિસ્ત્રા.
ઘડીકનાં હસવાં ને ઘડીકનાં રડવાં.
આશાઓ અમૃતની ભરી
અને અનુભવો લીલાં ઝેરના;
એ જીવન કેટલું નભશે?
આત્મા અશ્રુ સારે
ને મુખે મરકલડાં;
એ આનન્દના ઉત્સવ કેટલા કાલના?
કોઈ સમજાવશો-સમજાવશો મને
કે અન્તરની ઓછપો ક્યાંથી ઉતરે છે?
આંસુના ઊભરાં આવે અમથાં અમથાં
એ શાથી શમતા હશે? પ્રભો!
(ઈન્દુકુમાર ભાગ-૧ પ્રવેશ-૬)
-મહાકવિ નાનાલાલ
|