
ભૂતિયો મહેલ
ઘર જાણે ઊંચું તાબૂત, પણ એમાં રહેતું ભૂત!
કોઈ રહે એ ઘરમાં રાત, ન જોવા પામે પ્રભાત.
ગામના બહાદૂર જોધ જુવાન
સિપાઈ, અફસર ને કપતાન,
વાંકડી મૂછવાળા રજપૂત,
ફક્કડ બેફીકરા મજબૂત,
એવાં ઘણા બીને હથિયાર
હેઠાં મેલી ભાગ્યા બહાર-
ભૂત દેખીને તો!
ઘરનો માલિક ખૂબ મૂંઝાયો, ના ભૂતનો એકે ઉપાયઃ
‘વીસ હજારના બંગલાની અરે! આ જ દશા હવે થાય!
આવડો મહેલ સુશોભિત ઓરડા સાજ ને પલંગ,
આવડી સાહ્યબી! દુનિયા દેખીને બે ઘડી દંગ!
કિંતુ બધુંયે વૃથા, પછી શા સારુ વેઠવો ફોગટ ભાર!
વીસના ચાર હજારમાં દેવા આ બંગલો થાઉં તૈયાર!’
તોય ન કોઈ ઘરાક મળ્યો એના ચાર હજાર દેનાર.
એવે કો એક જુવાન, વેપારી, ભીનલે વાન,
દૂબળા દેહની પાતળી કમ્મરે જાડી ખાદી તણો ઘેર,
કપડાં થકી વધે વજન એહનું જરૂર પાંચેક શેર!
ઓચિંતો ગામમાં આવી ચડ્યો તહીં વહોરવાને કંઈ માલ,
ભૂતિયા મહેલની વાત સુણી બોલી ઊઠ્યો, ‘રે વાહ કમાલ!’
એણે કહ્યું બંગલાની ધણીને, ‘ભલે આપું હું ચાર હજાર,
લખી આપો મને ભૂત સાથે આખા બંગલાનો હકદાર.’
‘ભૂત સાથે?’ કહે માલિક, આંખમાં કેવળ માત્ર નવાઈ,
’હા, હા’ હસીને વેપારી વદે, જોકે મને વાંધો નથી ભાઈ!
ભૂત રાખીને બંગલો આપશો એકલો તોયે કબૂલ;
પરંતુ લાગશે વધુ મને એનું ચાર હજારનું મૂલ!
સામાસામી થયા કોલ, વેપારીએ બંગલામાં કર્યો વાસ;
રાત પડી, ભાત ખાવાને બેઠો ત્યાં થયો એને કોઈ ભાસ.
બોલ્યો એ, ‘માગીને ખાને, ભિખારી!
આમ ચોરી કરી શીદ ખાય?
ઘરૂર ઘરૂર ધ્રૂજી ઊઠી હવા, સુણ્યા ક્યાંકથી બોલઃ
‘ભિખારી છું કે માગું ? કરે છે ચોર સાથે મારો તોલ?
રે, મને કહે ચોર, ભિખારીડો? એવો શું હું હીન રાંક?
નથી પડી તારા ભાતની રે! મારે ઘેર સોનાની છે લંક!
પછી ખાવાનું ન ગૂમ થયું, વાળું કરીને ઊઠ્યો જુવાન,
ખંડમાં બીજે જઈ આરામખુરશીમાં પડી ચાવતો પાન.
થોડી વારે એની સામેની ખુરશીમાં થયો ધબ્બ અવાજ,
જુએ તો હાડનું પિંજર બેઠું છે માથે ધરી શિરતાજઃ
જુવાન બોલ્યોઃ ‘રે માંદલો કોણ તું? ક્યારનો આવે છે તાવ?
સાંભળી ઊછળી પિંજર રોફથી બોલ્યું, ‘હું છું મહા રાવ.
જાણે છે કેવડું જોર છે મારું? હું વીર વીરોનોય વીર,
નામ સુણી ચીસ પાડી નાસી છૂટે ભલ્લ ભલા રણધીર,’
‘ત્યારે શેણે તારાં હાડનો આવો સાંધેસાંધો ઢીલો, વીર?
કે'તો ખરો તને મેદાને એવો એ કોણ મળ્યો મહાવીર?’
કડડ કડડ હાડકાં બોલે, ને કચૂડ કચૂડ દંતઃ
બોલ્યો એ ભૂત, ‘મેં મારી ભગાડ્યા કૈં મલ્લ મહા બળવંત!’
ઓહોહોહો! હસી જુવાન બોલ્યો, ‘તું જૂઠ! તારું સબ જૂઠ!
ભૂત કહે, અલ્યા જૂઠ કે'છે મને? જોઈ છે મારી આ મૂઠ?
બબ્બે સૈકાથી જીવતો ઘૂમું છું, રોફથી ચાલું છું રોજ;
ઊઠું છું, બેસું છું, મારું છું, ડારું છું, ખેલું છું, કરું છું મોજ
જૂઠો તું કે' કિંતુ જોશે જ્યારે મારી શક્તિ તણા ચમકાર,
ત્યારે તું બીકથી ફાટી પડીશ ને મરીશ દઈ ચિત્કાર.’
‘એમ? અહો!’ બોલ્યો જુવાન, ‘તો તો તું આવજે કાલે આ વાર,
હું મારા દોસ્તને લઈને આવીશ એ જોવા તારા ચમકાર.’
ભૂત ગયું; પછી જુવાને શાન્તિથી ઊંઘમાં રાત વિતાવી,
બીજે દી જીવતો જોઈ વાએ ગામમાં વાત ફેલાવી.
વેપારી જુવાને-નામ હતું એનું હિંમત-તરત તાર કરી પરગામઃ
તેડાવ્યો પોતાના દોસ્તને કામે, છે જમશેદ એહનું નામ.
વાળું કરી ત્યાં વાત કરે બેઉ બેઠેલ જોડાજોડ,
અવાજ ત્યાં થયો તબડક! તબડક! જાણે શું ઘોડાદોડ?
વાહ! કરી બેઉ સાંભળે છે ત્યાં તો બીજો શરૂ થયો શોર;
એકી સાથે ઘણા ઘંટ વાગે જાણે રણણ! જણણ ઘોર!
અને પછી કોઈ ભીષણ નાદથી શરૂ થયો રણઢોલ.
સાંભળી બંનેય દોસ્ત નવાઈથી વદે વખાણના બોલ!
થોડી વારે થયું શાન્ત બધું, એક આવી ઊભો અસવાર,
બખ્તર-સજ્જ શરીર બધું બેઉ હાથ ધરી તલવાર.
એને જોઈ બોલ્યો હિંમત, ‘વાહ! તું લાગે છ તો હોંશિયાર,
આવી તારી જાદુવિદ્યા દેખી મને થાય છે એક વિચાર–
મારા આ મિત્ર જો, જમશેદજી ફરે છે સર્કસ લઈ બધે ગામ,
હેરત પમાડે તેવા ઘણા ખેલ બતાવે છે ઠામ ઠામ.
હું ઈચ્છું કે એમાં તું જો જોડાશે તો શોભશો તારું આ કામ,
લોકોમાં ખેલ તારા વખણાશે તો પંકાશે તારું નામ.
અને વળી શેઠ જમશેદજી દેશે રૂપિયો રોજ પગાર,
તારે તો રાતના બે વાર આવીને ખેલ કરી જવો, યાર!’
બાજના પંજામાં પંખી પડે તેવી ઓચિંતી ઊઠી ત્યાં ચીસ,
ધુમાડાના ઝીણા વાદળ જેવું ત્યાં જામી ગયું અંતરીક્ષ.
કાને પડ્યા ધીમા ધ્રૂજતા શબ્દઃ ‘તું આજે મળ્યો મને મર્દ!
નક્કી ગયું આજ હાથમાંથી ઘર, થાય મને ઘણું દર્દ!
જે દેખીને બીજા બીને મરે ત્યાં તું હસીને છેડે મજાક,
તારી મજાકે મારી બધી શક્તિને આજે કરી દીધી ખાક!’
ભૂત ઊડી ગયું! બેઉ જણા પછી ખૂબ હસ્યા બધી રાત,
બોલ્યા જે આજે ‘શો’ રાખ્યો હોત તો ખૂબ કમાણી થાત!
બીજે દી પેલો માલિક મળ્યો, પૂછે, ‘કેમ છો હિંમત શેઠ!’
બંને જણા એવું હસ્યા એ સાંભળી, દુઃખવા આવ્યું પેટ!
હિંમત બોલ્યો, ‘હજારોની ખોટમાં આવી ગયો હું તો આજ,
બંગલાનો પેલો ભૂત અભાગિયો ભાગી ગયો મૂકી કાજ.
હોત તો બંગલો થાત થિયેટર, ખોટ ઘણી ગઈ, યાર!
હવે તો કળા કારીગરીની અહીં થશે જરૂર નિશાળ!
-રમણલાલ પીતાંબરદાસ સોની
|