[પાછળ]
આપણું સમૂહગીત

એક જીવી નામની સ્ત્રી થાન ધરીને બચોળિયાને કહે – ‘અકરમી, પી!’ ગોકુળ જેવું ગામ, ગામને છેડે ઉભું જીવીબાઈનું ડૂસકાં જેવું ઘર. ફળિયા પાસે મરી ગાયનાં ડોળાઓને ખેંચી ખાતા ગીધડાંઓના સ્વર. એક સૂરજ ફળિયામાં આવે ખડકાયેલું ઘર પેટાવે. લબડેલી છાતીમાં કોઈ ડેરીના ટ્રકની અડફેટે પિલાયેલો આખેઆખો પતિ જીવાડે ઈ એક જીવી નામની સ્ત્રી. જીવીમાંથી સોળ વરસની બે-ત્રણ જીવી મેળે જાવા નીસરી’તી એ ક્યાં? આંખોમાંથી પાણીના કે ગોફણમાંથી ફેંકેલા એ પાંચીકાનાં ઘા? ફૂટેલા પરપોટા સાંધે જીવી જળને પાટા બાંધે. બાઈ જીવીનાં ડાબા હાથે અંગુઠો ના હોત તો જીવી હોય દૂધનું લહલહ ખેતર! એક જીવી નામની સ્ત્રી.

-રમેશ પારેખ

આ ગીત વિશે કવિએ જાતે લખેલું ટિપ્પણ


આ ગીત સ્ત્રી વિશેનું છે તેથી કરીને ....

(૧) જેમને સ્ત્રીમાં રસ પડતો હોય તેવા તમામ રસિક પુરુષોને આ ગીત આકર્ષી શકાશે.

(૨) દૂધ, ગોકુળ તથા ગાયના ઉલ્લેખ માત્રથી ભાઈબીજ મથુરામાં કરનારા આદરણીય ધર્મશ્રદ્ધાળુઓના મન દિવ્ય બની ઊઠશે, તેમાં શંકા નથી.

(૩) વળી ડેરી અને ટ્રકના ઉલ્લેખને કારણે દૂધ ઉત્પાદક સહકારી મંડળીની પ્રવૃત્તિને વેગ મળે તેવું વાતાવરણ રચાય એવો પણ સંભવ છે.

(૪) ડોળાના સંદર્ભે આપણને –જોઈ શકનારા સૌને, ખાસ કરીને ચક્ષુવિદ્દોને ગીત તરફ પ્રતિભાવ જાગતા, ગાવાની ઊલટથી તેમનું ગળું રૂંધાય તેવી રમ્ય શક્યતા છે.

(૫) સોળ વરસનો ઉલ્લેખ ષોડશીઓમાં તેમજ ષોડશાઓમાં તો ઉત્સાહનું પૂર ઉમટાવશે જ, પરંતુ વિગતયૌવનાઓ તેમજ પ્રાપ્તવાર્ધક્ય સજ્જનોના એક છાના ખૂણાને મલકાવે છલકાવે નહિ તો જ નવાઈ.

(૬) ગોફણ, પાંચીકા અને લહલહતા ખેતરનાં ઉલ્લેખો હરિયાળી ક્રાંતિનો સંદેશો ફેલાવવા માટે જ કરેલ હોઈ ગવર્મેન્ટ તેમજ કૃષકોને ગમશે, ને ગમશે તો પૂજ્ય મહાત્મા ગાંધીજીનું ‘કોશિયા’ સમજી શકે તેવા સાહિત્યનું સ્વપ્ન અલ્પાંશે, આ ગીત દ્વારા ખરું પડ્યું ગણાશે, એવી મહત્વાકાંક્ષા આ લખનારને છે.

(૭) ડાબા હાથનાં અંગુઠાનાં ઉલ્લેખથી કોરટકચેરીના માહિરો ઉપરાંત વકીલો, નામદાર જજો, નાજરો, બેલીફો, અસીલો તેમજ પ્રૌઢશિક્ષણ માટે ઝઝૂમનાર અસંખ્ય અનામીઓ જરૂર ઉત્કંઠ થઇ ઊઠશે તેવી આ લખનારની શ્રદ્ધા ફળીભૂત હો!

(૮) પરપોટા તથા જળને બાંધવા – સાંધવાની વાત દરદીને ગમશે કે ડોક્ટરને તેની આ લખનારને ખબર નથી એ માટે ક્ષમાપ્રાર્થના છે.

(૯) બાકી રહ્યા જીવી, એની લબડેલી છાતી, એનો મૃત પતિ, એનું ઘર, એના ડાબા હાથનો અંગુઠો, એનાં આંસુ, એનું બચોળિયું, એનો સૂરજ – એનાં નાખી દેવા જેવા બે-પાંચ પ્રશ્નોમાં કોઈને રસ ન પડે તો પણ શું ? કરમ જીવીનાં, બીજું શું?

(૧૦) અત્રે એક વાતની ખાસ સ્પષ્ટતા કરવાની કે મજકૂર બાઈ જીવીને આ લખનાર ઓળખતો નથી. એને કદી જોયેલ પણ નથી, અને તેની સાથે સીધો કે આડકતરો કોઈ સંબંધ નથી. આ તો શું, કે સૌ ગીત ગાતા હોય, ગવરાવતા હોય ત્યારે બાઈ જીવીએ પોતે પણ ગઈને તેમાં સાથ પુરાવવો જોઈએ. એ એની પવિત્ર ફરજ છે, એમ લખનાર માને છે.

(૧૧) અંતમાં, આ લખનારને અલ્પમતિ અનુસાર આ ગીત મનુષ્યની ભીતરી ભૂગોળનું છે. આ ભૂગોળ સમજાવતો એટલાસ ક્યાં મળે છે એની માહિતી નથી.

આ ગીતમાં છે તેનાથી અલગ એવો કોઈ સંદર્ભ આ ગીતને નથી. આથી કરીને હું સંસ્કૃતિનો, પ્રકૃતિનો, આકૃતિનો કે વિકૃતિનો, કોઈ સંદર્ભ ન શોધવાનાં આગ્રહ સાથે માનવંતા અને પ્રાત:સ્મરણીય નરોત્તમ વિવેચકોને નમ્રતાપૂર્વક આ ગીત અર્પણ કરું છું. ઇતિ.
-ર.પા.
[પાછળ]     [ટોચ]