સૂકી ફૂલ પાંદડી
(પૃથ્વી છંદ)
સ્મરે છ પ્રિય બ્હેનડી! સમય, ફૂલવાડી થકી
લઈ કલમ પાટી બે રસળતા નિશાળે જતાં
ગુલાબ બટમોગરો બકુલ માલતી મ્હેકતાં
ચૂંટી ફૂલકળી, નમાવી મૃદુ ડાળખીઓ બધી,
કદીક તુજ પાલવે મુજ રૂમાલમાં યે કદી,
ગ્રહી સકળ ગુચ્છ એ પ્રભુપદે ધરાવી બધાં
સૂંઘી ઊલટભેર સૌ, પઠનપુસ્તકે દાબતાં
નિહાળ ભગિની! પવિત્ર ફૂલ પાંદડી એ સૂકી.
કિશોરવયની અમૂલ્ય રસલ્હાણ સાથે લઈ
હવે થઈ ફીકી વળી સહુ સુગન્ધ ઊડી ગઈ;
જલે, અનલમાં, કહીંક પધરાવવી એ ઘટે!
ન શીદ અમ જિંદગી? -જીવનનીય ચિંતા મટે!
કિશોરવય ને કિશોરવયસોણલાં એ ગયાં,
જૂનાં સ્મરણ મીઠડાં અરર! ધોળવાનાં રહ્યાં.
-ચન્દ્રવદન ચી. મહેતા
|