[પાછળ] 
નિયમવશ માનવી
(ખંડ હરિગીત)

યંત્ર આ બ્રહ્માંડનો ગૂઢ નિયમે ચાલતો એક લક્ષ્યસ્થળ ભણી જાતો, વિકાસે મ્હાલતો; અણગણ્યાં બ્રહ્માંડનાં ગણ રહ્યાં આ તરવરી, એહ લક્ષ્યસ્થળ ભણી ચાલ્યા જતા પદ સ્થિર ધરી; માનવી જીવન તણો ભવ્ય જે ઈતિહાસ તે, અધિક એથી ભવ્ય વળી ભાવિ તણો જ વિકાસ તે. નિયમવશ ઉત્ક્રાતિમાં મેળ એનો છાજતો, ઘટિત ઘટના યોગ એ સંગીત સ્વર સમ રાજતો; જીવને સુખ દુઃખના રંગ વિધવિધ ગૂંથિયા, નિયમ ગૂઢ વડે બધાં સંધાઈ એ સર્વે રહ્યાં; સર્વ સ્થળે વ્યાપિયું નિયમનું સંગીત એ, મૂળ સ્વર એ ગીતનો ઈચ્છા નિયંતાની ખરે; એહ સ્વર જ પ્રધાન છે, અન્ય તે સંગે ગૂંથ્યા, તીવ્ર કોમળ રૂપ સહુ બનતા વિકારો અવનવા; ગૂઢ છે કંઈ યોજના ભવ્ય એ સંગીતની, એક યોજક દિવ્ય તે સંગીત નાયક રહે બની; મંદ માનવ કીટ હું દિવ્ય એ સંગીતમાં દોષ ક્યમ કાઢી શકું? ક્યમ ભંગ કરું સ્વર રીતમાં?

-નરસિંહરાવ દિવેટીયા
 [પાછળ]     [ટોચ]