[પાછળ]
બોલકા શબ્દો

કદી રાંક છે  તો  કદી રાય શબ્દો,
કદી બાંધતા,  ક્યાંક બંધાય શબ્દો.

કદી  આંસુઓનું   લઈ  રૂપ  આવે
કદી  પુષ્પ  પેઠે   પરોવાય  શબ્દો.

કદી ઓઠ પર આવી પાછા વળે છે,
ઘણીવાર બ્હૌ બોલકા  થાય શબ્દો.

હતો મૌનનો એક દરિયો છલોછલ,
કિનારે  રહીને  તરી  જાય  શબ્દો.

વીતેલો  સમય  એટલે  શૂન્યઘરમાં
શમી જાય,  ક્યારેક પડઘાય શબ્દો.
-ચિનુ મોદી
[પાછળ]     [ટોચ]