[પાછળ] 
હું

[ઉપજાતિ]
હું  વિશ્વનો એક અણુ વિરાટ
ચૈતન્યના   પૂર્ણ   પ્રકાશવંતો
તંદ્રા  હરું  ને  ખીલવું  હસંતો
પ્રાણે વહ્યા આત્મતણા વિલાસ

હું  શૌર્યનો  સાહસ-ઘોર સિંધુ
છોળો ઉછાળી  જગ ઘૂમવાનો
તોફાન   વચ્ચોવચ   ઝૂમવાનો
પ્હોંચી  જવા  જીવનલક્ષ્યઈન્દુ

હું   વર્તમાને   રમણે   ચડેલો
અર્પી જતો  સાન સ્વતંત્રતાની
દોરી  રહું   રેખ   અનંતતાની
અંધારના  તારક  શો  ઝગેલો

હું વિશ્વનો  એક  અણુ  વિરાટ
કલ્યાણના  ભાવિ ભર્યો વિકાસ
-દેશળજી પરમાર
 [પાછળ]     [ટોચ]