બુલબુલ અને ભિખારણ (લાવણી) ‘શીદ અકારણ ભમે ભિખારણ? આવ અહીં તરુ નીચે! જો મારા ગાને જગ કેવું આનંદે હીંચે!’ ‘ના રે બા! મારે તો ભમવું, નથી ગીતમાં મંન; તારા ગીત સુણ્યે મળવાનું નથી કોળિયો અંન!’ ‘જો! જો! પેલી ધનિક બાલિકા પડઘો આરંભે, ને પેલા પંડિતનું વાચન તે ય ઘડી થંભે!’ ‘તારાં ગીત મોટાંને છાજે, મને વાટની ધૂળ; મારાં હાડ ઉપર તો ગાશે સમડી, ગીધ, ગરુડ!’ ‘ના! ના! પળ તો થોભ, સમજ એ ગીત બધાં તારાં; સુખિયા રાચે ભલે સુણી, પણ સમજે ગીત ન મારાં.’ ‘એ આનંદ અમીરો કાજે, કરશે બુજ જરૂર; મારે તો ગીતો સુણવાનો સમય ઘણો છે દૂર!’ ‘ભલે; ગમે તો આ ગમ કો દી' કરજે પગલાં તારાં! કદરહીણ શું વૃથા સૂકાશે આંસુ આ મારાં?!’ (૨) ‘કેમ ભિખારણ! સુખી બની શું? તો નથી મારે ગાવું! સુખી ન સમજે, દુઃખી સુણે ના, તો બહેતર નથી મારે ગાવું!’ ‘સુખનાં તો એ નીર ઝાંઝવાં, દોડી દોડી પસ્તાવું!’ ‘કેમ આવડા પુરમાં તારું પેટ પૂરું ન ભરાયું?!’ ‘અરે; શ્હેરના ધનઢગલા આ ઝોળીમાં નવ માય, ધોધ પડે ધનનો ત્યાં મારો ખોબો છૂટી જાય!’ ‘હવે તને સમજાશે મારાં ગીત ખરે મોંઘા.’ ‘ગીત જીવતા મોત તણાં મીઠા આજે તો ગા!’ ‘જીવનનાં મૃત્યુનાં ગાણાં ગાઈશ અણગાયાં, ધન્ય થઈશ કે દુઃખી દિલનાં આંસુ લ્હોવાયાં!’ (તા. ૩-૭-૧૯૩૨) -ઉમાશંકર જોશી
|