[પાછળ] 
ગોતણ્યે ચડીશ મા ગોવિંદની

ગોતણ્યે ચડીશ મા ગોવિંદની તું, ગોવિંદ ગોત્યા નહીં જડે
માંડ્યા હશે જો મેળાપ તારા મોહન આવી એની મેળે જડે
              ગોવિંદ આવી એની મેળે જડે

નથી આંધળા, નથી  બહેરા, સાદ સૌના મુંગા સાંભળે
ઘડી  પળની  ભક્તિમાં  તારું  મન ચડ્યું કેમ ચાકડે?
               ભાઈ, મન ચડ્યું કેમ ચાકડે?

રામને કાજે રખડવા કરતા બેસી જાને તું એક જ સ્થળે
નીતિ છોડીશ નહિ હે નકબંકડા, વિપતવાદળ આવી પડે
               ભાઈ,  વિપતવાદળ આવી પડે

ઝેરના  પ્યાલા  જીરવી  જાજે, જ્ઞાન ઉતારી લેજે  ગળે
પ્રેમરસના   પૂર   પ્રગટે,   તારી   પુનાઈના   બળે
               ભાઈ,   તારી  પુનાઈના  બળે

લાલગર ચરણે બોલ્યા ખુમાણસંગ, ખેતર ખેડો પ્રેમભક્તિ વડે
વાવેલાં બીજને આવી સંભાળશે, વાલો મારો એ ખરે વખતે
                ભાઈ, વાલો મારો એ ખરે વખતે


-ખુમાણસંગ
 [પાછળ]     [ટોચ]