[પાછળ] 
ભિખારણ ગીત મઝાનું ગાય

ભિખારણ ગીત મઝાનું ગાય,                                
આંખે ઝળઝળીયાં આવે ને અમૃત કાનોમાં રેડાય,           
                                       ભિખારણ ગીત મઝાનું ગાય

‘મારા  પરભુ  મને  મંગાવી આપજે,  સોના  રૂપાનાં બેડલાં,
સાથ સૈયર હું તો પાણીએ જાઉં, ઊડે આભે સાળુના છેડલા.’

એના કર માંહે છે માત્ર, ભાંગ્યુ તૂટ્યું ભિક્ષાપાત્ર.
એને અંતર બળતી લા’ય, ઊંડી આંખોમાં દેખાય.
એને  કંઠે  રમતું  ગાણું, એને  હૈયે  દમતી  હાય
                                       ભિખારણ ગીત મઝાનું ગાય

‘મારા પરભુ મને મંગાવી આપજે અતલસ અંબરનાં ચીર,
પે’રી ઓઢીને  મારે  ના’વા જવું  છે  ગંગા-જમનાને તીર.’

એના કમખે સો સો લીરા, માથે ઊડતા ઓઢણ-ચીરા,
એની  લળતી  ઢળતી  કાય;  કેમે  ઢાંકી  ના  ઢંકાય.
ગાતી  ઉંચે  ઉંચે  સાદે   ત્યારે  ઘાંટો   બેસી  જાય,
                                       ભિખારણ ગીત મઝાનું ગાય

‘શરદ પૂનમનો  ચાંદો  પરભુ  મારે  અંબોડે  ગૂંથી તું આપ,
મારે કપાળે  ઓલી  લાલ આડશ  ઉષાની  થાપી  તું આપ.’

એના શિર પર અવળી આડી, જાણે ઊગી જંગલ-ઝાડી
વાયુ   ફાગણનો   વિંઝાય;    માથું   ધૂળ  વડે  ઢંકાય.
એના  વાળે  વાળે   જુઓ  બન્ને  હાથે  ખણતી  જાય,
                                       ભિખારણ ગીત મઝાનું ગાય

‘સોળે શણગાર સજી આવું પરભુ મને જોવાને ધરતી પર આવજે,
મુજમાં   સમાયેલ  તારા  સ્વરૂપને  નવલખ  તારાએ  વધાવજે.’

એનો ભક્તિ-ભીનો  સાદ,  દેતો મીરાં  કેરી યાદ,
એની શ્રદ્ધા, એનું ગીત,  એનો  પરભુ, એની પ્રીત.
એની અણસમજી ઈચ્છાઓ જાણે હૈયું કોરી ખાય,
આંખે ઝળઝળિયાં આવે ને અમૃત કાનોમાં રેડાય,
                                       ભિખારણ ગીત મઝાનું ગાય

-‘ગની’ દહીંવાલા

[આ કવિતાનો પાઠ ગુજરાતી ભાષાની લોકપ્રિય વેબસાઈટ http://www.aksharnaad.com પરથી સાભાર લેવામાં આવ્યો છે.]

 [પાછળ]     [ટોચ]