[પાછળ]
પહેરણનું ગીત

પરોઢે  મંદિર શંખ ફૂંકાયા,  ને સાંજે  થયા ઘંટનાદ!
રાત ખૂટે તો યે કામ ન ખૂટે!  કોને દેવો મારે  સાદ!

                   દા'ડો આખો ઠરી ન બેસવું ઠામ!
                   રાતે તો યે  ઊભું  કામ  ને  કામ!

માથું ભમે, ને અંગ ઢળી પડે, હાથે ખાલી ચડી જાય!
પાંપણે  જાણે  મણિકા   મેલ્યા,   પડળે   વળી ઝાંય.

                       તુરંગે  કેદી ય   નીંદર  પામે!
                       તો યે ના છોડી મને આ કામે!

કોર  ઓટું  ને  બોરિયાં ગૂંથું,
બોરિયાં ગૂંથું ને કાપલી સાંધું,

સાંધું,  સાંધું  ને  મોડી  રાતે  કામમાં  ઝોલાં  આવે,
થાકેલો  મારો હાથ  સોણામાં  કામ અગાડી ચલાવે,
                 - અરે, મારું કામ થાશે પૂરું ક્યારે?

કોર  ઓટું  ને  બોરિયાં ગૂંથું,
બોરિયાં ગૂંથું ને કાપલી સાંધું,

સાંધતાં  મારું  હૈયું  વિલાતું  ને  માથું  લે ઘુમ્મરઘેર,
થાક્યોપાક્યો મારો હાથ તો યે ના છોડે દોરાની સેર,
                       - અરે મારે દસ ખાનારા ઘેર!

ભાઈલા! તારે બહેન છે, વારું?
બેટા!   તારે માડી  છે,  વારુ?
ઘરમાં   તારે   છે   વહુવારુ?

પહેરી ફાડે તું તે વસ્ત્ર નથી એ જાણી લે મારા બાપ!
ભાંડુ  તારાં જેવાં  મનેખનાં એ આયખાનાં છે માપ!

                      રામજી  કાં   રોટલા   મોંઘા?
                      લોહીમાંસ   આટલાં   સોંઘાં?

-ઉમાશંકર જોશી
અંગ્રેજ કવિ ટોમસ હૂડના ‘ધ સૉન્ગ ઑફ શર્ટ’ નામના ગીતનો અનુવાદ. આ ગીત કાકા કાલેલકરના પુસ્તક ‘બ્રહ્મદેશનો પ્રવાસ’માં ૬૭-૬૮માં પાને પહેલી વાર પ્રગટ થયું હતું.
[પાછળ]     [ટોચ]