[પાછળ]
યાદ છે સમરકંદ બુખારા! (લાવણી) કેમે ના લોપાય સ્મરણથી સમરકંદ બુખારા: મધરાતે મધુનીંદરમાં યે સમરકંદ બુખારા! મહેતાજી ભૂગોળ શીખવે, નકશો મોટો ખોલી, અમે કરી ભૂંગળ કાગળની દેતા કંઇ કંઇ બોલી: ‘શિખી રહ્યા ભૂગોળ હવે, કરની ભૂંગળ નકશાની!’ ચૂપ કરી દેતી પણ ભોગળ શી સોટી શયતાની. ભલે ભાઈ, ભૂગોળ ભણીશું, બે કર લમણે મેલી. મહેતાજીએ નદી અને ડુંગરની વાત ઉકેલી. મુસાફરીઓ કંઈક કરાવી, ધરતી પર, દરિયામાં, પગે, ગાડીએ, વ્હાણે નહિ, પણ આંગળીએ નકશામાં. –નકશામાં જોયું તે જાણે જોયું ક્યાં? ન કશામાં! – શ્હેર હથેળી જગા ઉપર તો કંઈનાં કંઇ જ બનાવ્યાં; ઊભો કરીને પૂછ્યું મને કે, ‘કહે શ્હેર એ શાં શાં?’ ‘નિશાળ નાની! ટિચૂકડો આ નકશો! એમાં શ્હેરાં?! બોલું ત્યાં તો તરત હથેળીમાં દેખાડ્યા તારા! રોતાં રોતાં ઝટપટ વાંચી, બોલી શ્હેર જવાયાં: ‘કાબુલ, ખલ્ખ, કંદહાર ને સમરકંદ બુખારા!’ કદી ભુલાશે નહિ બાપલા! સમરકંદ બુખારા! –સોય તણી ના ઠરે અણી પણ, ત્યાં એ શ્હેર વસેલાં?! સોયઅણીપુર કુમારિકા જગ્યા પર કર્ણ સુતેલા!– હા, હા! એવું હશે કંઇક આ! ત્યાં સોટી ચમકારા. ‘સા’બ બરાબર યાદ મને છે સમરકંદ બુખારા.’ કૉલેજમાં પ્રોફેસર આવી કવિતા કંઈક શિખાવે, નવી વાતથી રિઝવી સૌને, પોતાને ય રિઝાવે; ચીપીચીપી વાત કરે, –એ વાત બધીય ગુલાબી. કહે, ‘એક ઈશ્કી પૂર્વે કહેતો’તો શાહ શરાબી: બદન પરે કાળા તલવાળી સનમ રીઝે, તો સારા દઈ દઉં એ તલ પર વારી સમરકંદ બુખારા.’ સમજાયું ના, તલની લતમાં આવા તે શું બખાળા? –પગ આગળ વૈકુંઠ હોય પણ વૃંદાવનને માટે ગોપી એ છોડી દે, તલની વાત હશે એ ઘાટે?– પણ આલમમાં ગૌર ડીલે તલ હશે જેટલા કાળા, હશે તેટલાં વારી દેવા સમરકંદ બુખારા? થંભી મારી ત્યાં જ મુંઝાઈ નવરી વિચારમાળા, પણ સાંભરતાં ના થંભ્યાં રે સમરકંદ બુખારા! હથેળી બળવા લાગી ચમચમ, સુણ્યા જૂના હોંકારા, મારો ના, સાહેબ! યાદ છે સમરકંદ બુખારા!’ આજે આંખ જરીક મીચતાં સ્મરણ થાય કંઈ તાજાં, નજર આગળે તરવરતા ખુલ્લા જંગી દરવાજા; જોતાં સાથે લીધ પિછાની સમરકંદ બુખારા. ઊંટપીઠે નોબત ગડગડતી, કંઈ પડછંદ નગારાં શોર કરે, ને પડઘમ ગાજે, બાજે કંઈ રણશીંગાં, એક પછી બીજાં સૌ નીકળી ચાલ્યાં લશ્કર ધીંગાં. ધીમે ધીમે સરી જતી પળમાં એ જંગ સવારી, આંખ ઉઘાડું તો સામે દેખું અધખૂલી બારી. જોયા ત્યાં ગગને તગતગતા ધોળે દિવસે તારા, અરે! પડ્યાં છે પાછળ મારી સમરકંદ બુખારા! પૂનમચાંદનીમાં સૂતો’તો અગાશીએ એકાકી, સ્વપ્નામાં ઓચિંતો શાથી ઝબકી ઊઠયો જાગી! પૂરબહાર જ્યોત્સના નિરખીને સહજ દિલડું મોહ્યું, ને કલંક જાણે તલ જેવું ચંદરમાં પર જોયું! ક્યાંથી ત્યાં તો થઈ રહ્યા રે સ્મરણોના ઠમકારા, શરાબ છલછલ પ્યાલીભર એ સમરકંદ બુખારા! એ શરાબની ભરભર પ્યાલી, કે એ જંગસવારી, કે કાળા તલવાળી પેલી માશૂક તુર્ક–શિરાઝી, પોતા પર આલમ આખી ચકચૂર હશે કરનારાં ભલે! પરંતુ મને સાંભરે સોટીના ચમકારા; ને ચમકારે મહેતાજીએ નકશાનાં પરભારાં ભેટ દીધેલાં શહેર એ બે સમરકંદ બુખારા! ભણ્યો હતો હું કંઈક ‘ગામડાં’, યાદ રહ્યાં આ બે કાં? સૂતાં, સ્વપ્ને કે જાગરણે, ઘડીઘડી પજવે કાં? ઇસ્પહાન, તેહરાન હતાં શાં ખોટાં? કેમ ભૂલાયાં? કંચનજંઘા, ઉમાશિખર વા કેમ હશે વિસરાયાં? ને એથી યે સંગીતમય છે કેન્યા–કિલિમાન્જારો, શે તો યે આ બે જ સાંભરે? મૂકે ન કેડો મારો! જરી ભૂલવા કરું તહીં તો વાગે છે ભણકારા, મગજ બારણે બજે ટકોરા સમરકંદ બુખારા! મધરાતે મધુનીંદરમાં યે સમરકંદ બુખારા! નિશદિન મારે સ્મરણે રણકે સમરકંદ બુખારા! (૧લી જુલાઈ, ૧૯૩૨) - ઉમાશંકર જોશી
[પાછળ]     [ટોચ]